IND vs ENG Day Report: રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 196 રન છે. આ રીતે ભારતીય ટીમની લીડ વધીને 322 રન થઈ ગઈ છે. શુભમન ગિલ અને કુલદીપ યાદવ દિવસની રમતના અંતે અણનમ પરત ફર્યા હતા. શુભમન ગિલ 65 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે કુલદીપ યાદવ 3 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે આ પહેલા ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. જો કે, યશસ્વી જયસ્વાલ દિવસની રમત પૂરી થાય તે પહેલા જ ઈજાગ્રસ્ત થતા રિયાયર થઈને પરત ફર્યો હતો.
યશસ્વી જયસ્વાલે ફરી સદી ફટકારી
યશસ્વી જયસ્વાલે 133 બોલમાં 104 રન બનાવ્યા હતા. અત્યાર સુધી તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા 19 રન બનાવી જો રૂટના બોલ પર આઉટ થયો હતો. જ્યારે રજત પાટીદારે ફરી ચાહકોને નિરાશ કર્યા છે. રજત પાટીદાર કોઈ રન બનાવ્યા વિના ટોમ હાર્ટલીના બોલ પર આઉટ થયો હતો. પરંતુ આ પછી યાદવ અને શુભમન ગીલે ઈંગ્લિશ બોલરોને કોઈ તક આપી ન હતી. ઈંગ્લેન્ડ માટે જો રૂટ અને ટોમ હાર્ટલીને 1-1 સફળતા મળી હતી.
ભારતીય ટીમને 126 રનની લીડ મળી હતી
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેન સ્ટોક્સની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને પ્રથમ દાવમાં 126 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બાન ડકેટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ડકેટે 151 બોલમાં 153 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 23 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ આ સિવાય બાકીના ઇંગ્લિશ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
આવી રહી ટીમ ઈન્ડિયાના બોલરોની હાલત
ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને 2-2 સફળતા મળી હતી. જસપ્રિત બુમરાહ અને રવિ અશ્વિને 1-1 ઈંગ્લિશ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
રાજકોટ ટેસ્ટમાં શું શું થયું?
આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 445 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રનની સારી ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. રેહાન અહેમદને 2 સફળતા મળી. જીમી એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટને 1-1 સફળતા મળી હતી.