ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. જાડેજાએ સ્ટોક્સને આઉટ કરતાની સાથે જ ભારતમાં તેની 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી. જાડેજા ભારતીય ધરતી પર 200 ટેસ્ટ વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બન્યો છે.
રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બાદ જાડેજાએ બેન સ્ટોક્સને જસપ્રિત બુમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જાડેજા પહેલા અનિલ કુંબલે (350), રવિચંદ્રન અશ્વિન (347), હરભજન સિંહ (265) અને કપિલ દેવ (219) ભારતમાં 200 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યા છે.
જાડેજાએ સ્ટોક્સ બાદ ટોમ હાર્ટલીને 201મો શિકાર બનાવ્યો હતો. જો આપણે જાડેજાની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો આ તેની કારકિર્દીની 282મી વિકેટ હતી. જાડેજાએ ટેસ્ટમાં બેટથી ઉપયોગી યોગદાન આપ્યું છે અને પોતાને એક સારો ઓલરાઉન્ડર સાબિત કર્યો છે. જાડેજાએ 70 ટેસ્ટમાં 3005 રન બનાવ્યા છે.
રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 ઓલરાઉન્ડર છે. તેણે રાજકોટમાં ભારતની પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. 35 વર્ષીય જાડેજાની ઇનિંગની મદદથી ભારતે પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ડાબોડી બેટ્સમેને 225 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ રાજકોટ ટેસ્ટ દરમિયાન ઈંગ્લેન્ડ સામે 1000 ટેસ્ટ રનનો આંકડો પાર કર્યો હતો. જાડેજાએ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો અને ઈંગ્લેન્ડ સામે 1000 ટેસ્ટ રન બનાવનાર 15મો ભારતીય ખેલાડી બન્યો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને 126 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 84 રનમાં 4 વિકેટ લીધી હતી. જાડેજાએ 51 રનમાં 2, કુલદીપ યાદવે 77 રનમાં 2 વિકેટ લીધી હતી. બુમરાહ અને અશ્વિનને પણ 1-1 સફળતા મળી હતી.
20 રનમાં ગુમાવી અંતિમ 5 વિકેટ
ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સર્વાધિક 153 રન બનાવ્યા હતા. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કરો 299 રન પર 5 વિકેટ હતો, ત્યાંથી સમગ્ર ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ અંતિમ 5 વિકેટ માત્ર 20 રનમાં જ ગુમાવી હતી. બેન સ્ટોક્સે 41 રન અને ઓલી પોપે 39 રનનું યોગદાન આપ્યું હતું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial