અમદાવાદ: ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝની બાકી બે મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોટેરાના જિમમાંથી ભારતીય ખેલાડીઓના વર્કઆઉટની તસવીરો પોતાના ટ્વિટ પર શેર કરી છે. તેણે મોટેરામાં મળી રહેલી સુવિધાઓ ખૂબ જ સારી ગણાવી છે. તસવીરમાં તેની સાથે કેપ્ટન વિરાટ કોહલી, ઈશાંત શર્મા, અક્ષર પટેલ અને ઋષભ પંત જોવા મળી રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. હાલ સીરીઝ 1-1ની બરાબરી પર છે.



મોટેરાના સ્ટેડિયમને ગણાવ્યું અવિશ્વસનીય

હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટમાં લખ્યું, સ્ટેડિયમ તો સારૂ છે જ પરંતુ, તમામ સુવિધાઓ સાથેનું જિમ આશા કરતા ઘણુ સુંદર છે. અદ્ભુત. આ પહેલા હાર્દિકે મોટેરા સ્ટેડિયમના એક સ્ટેન્ડની તસવીર શેર કરતા લખ્યું, અહીં મોટેરામાં દુનિયામાં સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમમાં આવવું પોતાના માટે અવિશ્વસનીય છે. આ ખુબ જ સુંદર છે. મોટેરાના આ સ્ટેડિયમનું નિર્માણ હાલમાં જ થયું છે. સરદાર પટેલ સ્ટેડિયમના નામથી જાણીતું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. સાથે જ તમામ રમતોના સ્ટેડિયમની વાત કરવામાં આવેતો દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તેમાં એક લાખ દસ હજાર દર્શકો બેસવાની ક્ષમતા છે. ઉત્તર કોરિયાના પ્યોંગયાંગના રંગરાડો મે ડે સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અહીં 114000 દર્શકોના બેસવાની ક્ષમતા છે.

હાર્દિક પંડ્યાએ 2018થી નથી રમી ટેસ્ટ

ટીમ ઈન્ડિયાના 27 વર્ષના ઓલરાઉન્ડર હાર્દિકે 2018થી કોઈપણ ટેસ્ટ મેચ નથી રમી. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ માટે તેણે ભારતીય ટીમમાં સામેલ તો કરવામાં આવ્યો છે પરંતુ હજુ તેને અંતિમ 11માં સ્થાન નથી મળ્યું. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ગત સીરીઝમાં પણ તેને ટીમમાં સ્થાન નહોતું મળ્યું. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે જ્યારે હાર્દિક બોલિંગ કરવા માટે એકદમ ફિટ થઈ જાય ત્યારબાદ તેને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવશે.