ind vs eng lords odi: ક્રિકેટ ચાહકો માટે રવિવારનો દિવસ નિરાશાજનક રહ્યો. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 27 રને પરાજય થયો છે. આ સાથે જ 1.4 અબજ ભારતીયોના દિલ તૂટી ગયા હતા. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 387 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ લડાયક પ્રદર્શન છતાં 360 રન જ બનાવી શકી. એક સમયે કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદીના સહારે ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ કોચ ગૌતમ ગંભીરના બેટિંગ ઓર્ડરમાં ફેરફારના પ્રયોગ અને પ્લેઇંગ ઇલેવનમાં એક મોટી ભૂલના કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી જીત છીનવાઈ ગઈ. ચાલો સમજીએ કે મેચમાં શું થયું અને કયા બે નિર્ણયોને કારણે ભારતે આ ઐતિહાસિક જીત ગુમાવી.
રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ પર ફરી વળ્યું પાણી
ઇંગ્લેન્ડે આપેલા 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી હતી. કેપ્ટન શુભમન ગિલ અને 'હિટમેન' રોહિત શર્માએ પહેલી વિકેટ માટે 24.2 ઓવરમાં જ 147 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ગિલે 84 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રન ફટકાર્યા હતા. ગિલના આઉટ થયા બાદ પોતાની કારકિર્દીની 400મી મેચ રમી રહેલા વિરાટ કોહલીએ રોહિત સાથે મળીને બાજી સંભાળી હતી અને બંનેએ શાનદાર સદીની ભાગીદારી નોંધાવી.
ભારતીય ટીમનો સ્કોર જ્યારે 39મી ઓવરમાં 260 રન હતો ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિતે માત્ર 110 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 138 રનની યાદગાર ઇનિંગ રમી હતી. વિશેષ વાત એ છે કે, લોર્ડ્સના મેદાન પર ભારતીય ટીમ તરફથી આ પહેલી સદી હતી.
પ્રથમ ભૂલ: ગંભીરનો પ્રયોગ નિષ્ફળ, નંબર 4 પર ઈશાન કિશનને ઉતારવો
મેચનો ટર્નિંગ પોઈન્ટ રોહિત શર્માની વિકેટ પડ્યા પછી આવ્યો. શ્રેયસ ઐયર લાંબા સમયથી વનડેમાં નંબર 4 પર બેટિંગ કરતો આવ્યો છે અને તે આ પોઝિશન માટે પૂરી રીતે સેટ છે. છતાં ટીમ મેનેજમેન્ટે બીજી અને ત્રીજી વનડેમાં ઐયરની જગ્યાએ ઈશાન કિશનને નંબર 4 પર રમવા ઉતાર્યો. આ પ્રયોગ તદ્દન નિષ્ફળ રહ્યો. ઈશાન 12 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો અને પેવેલિયન ભેગો થયો. નિર્ણાયક સમયે જો શ્રેયસ ઐયર મેદાનમાં આવ્યો હોત તો કદાચ મેચનું પરિણામ કંઈક અલગ હોત. ભારતની હારનું આ સૌથી મોટું કારણ સાબિત થયું.
આ પણ વાંચોઃ લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
બીજી ભૂલ: કુલદીપ યાદવને બહાર રાખવાનો નિર્ણય મોંઘો પડ્યો
ભારતની બીજી સૌથી મોટી ભૂલ પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં રહી. આ નિર્ણાયક મેચમાં મેનેજમેન્ટે અનુભવી સ્પિનર કુલદીપ યાદવને પડતો મૂક્યો હતો. બીજી તરફ ઇંગ્લેન્ડના સ્પિનર્સે ભારતીય બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા અને રન ગતિ પર બ્રેક લગાવી. અહીં સુધી કે તેમના પાર્ટ-ટાઇમ સ્પિનર જેકબ બેથેલે પણ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. પીચ પર સ્પિનર્સને મળતી મદદ જોતા સ્પષ્ટ થાય છે કે જો કુલદીપ યાદવ ટીમમાં હોત, તો તે પોતાની ફિરકીથી ઇંગ્લિશ બેટ્સમેનોને ચોક્કસપણે ફસાવી શક્યો હોત અને ઇંગ્લેન્ડને 387 રનના આટલા મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવી શકાયું હોત.
આ પણ વાંચોઃ લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
