નવી દિલ્હીઃ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત સારુ પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20માં ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઇ છે. મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારવા ઉપરાંત 4 વિકેટ પણ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈંગ્લેન્ડના 7 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. મોઈન અલીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા.
કેપ્ટન તરીકે રોહિત શર્માએ સતત 13મી ટી-20 મેચ જીતી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા રોમાનિયાના રમેશ સતીશાન અને અફઘાનિસ્તાનના અસગર અફઘાને કેપ્ટન તરીકે સતત 12-12 જીત મેળવી હતી. મેચમાં રોહિત શર્માએ 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. રોહિત શર્મા નવેમ્બર 2019 પછી કેપ્ટન તરીકે T20માં એક પણ મેચ હાર્યો નથી. આ દરમિયાન તેણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સહિત 5 ટીમોને હરાવી હતી. આ દરમિયાન તેણે ભારતમાં 11 અને વિદેશમાં 2 મેચ જીતી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણ ફોર્મેટની વાત કરીએ તો રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 18મી મેચ જીતી હતી. જેમાં 13 T20, 3 ODI અને 2 ટેસ્ટનો સમાવેશ થાય છે. વનડેમાં ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. સાથે જ શ્રીલંકાને ટેસ્ટમાં હરાવ્યું હતું.
કેપ્ટન તરીકે T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માનો રેકોર્ડ ઘણો સારો છે. તેણે 29 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને ટીમે 25 મેચ જીતી છે જ્યારે માત્ર 4માં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે ODIમાં કેપ્ટન તરીકે 13 માંથી 11 મેચ અને ટેસ્ટમાં 2 માંથી 2 મેચ જીતી છે.