England vs India 1st T20, The Rose Bowl Southampton: સાઉથમ્પટન ખાતે રમાયેલી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20માં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.


ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો. તેણે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે માત્ર 33 બોલમાં 51 રનની તોફાની ઈનિંગ રમી હતી અને બાદમાં 33 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. બોલિંગમાં ટી-20 ઈન્ટરનેશનલમાં હાર્દિકનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. હાર્દિકના આ શાનદાર પ્રદર્શનને કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.


ઈંગ્લેન્ડ માટે ખરાબ શરૂઆત


199 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં કેપ્ટન જોસ બટલર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. આ પછી ડેવિડ મલાન પણ 21 રન બનાવીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન પણ શૂન્ય પર આઉટ થયો હતો અને ત્યારબાદ જેસન રોય 16 બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો.


ઈંગ્લેન્ડની ટીમ 7મી ઓવરમાં 33 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી મોઈન અલી અને હેરી બ્રુકે શાનદાર બેટિંગ કરીને ટીમને વાપસી અપાવી હતી. અલીએ 20 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. બ્રુકે 23 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 61 રનની ભાગીદારી થઈ હતી.


આ બંનેના આઉટ થતા જ ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત થઈ ગઈ હતી. જોકે, અંતે ક્રિસ જોર્ડને 18 બોલમાં 29 રનની ઇનિંગ રમીને હારનું માર્જિન ઘટાડી દીધું હતું. ટીમ ઇન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિકે તેની ચાર ઓવરમાં માત્ર 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. બોલિંગમાં T20 ઈન્ટરનેશનલમાં હાર્દિકનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા બેટિંગમાં હાર્દિકે અણનમ 51 રન બનાવ્યા હતા. ડેબ્યુમેન અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા 24 અને ઈશાન કિશન 08 રન બનાવીને આઉટ થયા હતા. જો કે આ પછી દીપક હુડા અને સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી.


દીપકે 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમારે 19 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.


આ પછી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ શરૂઆતથી જ વિસ્ફોટક રમત બતાવી હતી. હાર્દિકે 33 બોલમાં 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન પંડ્યાએ 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અક્ષર પટેલે 12 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા.