IND vs ENG: ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 90 રન બનાવ્યા હતા. તે સદી ચૂકી ગયો, પરંતુ તેની ઈનિંગ્સ લાંબા સમય સુધી યાદ રહેશે. જુરેલે તેની કારકિર્દીની બીજી ટેસ્ટમાં પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેની ઈનિંગ જોઈને બે પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર અને અનિલ કુંબલેને મહાન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઈ. બંનેએ જુરેલની ભરપૂર પ્રશંસા કરી.
જુરેલ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતનો સ્કોર પાંચ વિકેટે 161 રન હતો. નાની ભાગીદારી કરીને તેણે ટીમ ઈન્ડિયાને 307 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું અને ઈંગ્લેન્ડને મોટી લીડ લેતા અટકાવ્યું. ઉત્તર પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા આ વિકેટકીપર બેટ્સમેને છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ધ્રુવને રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તે 46 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ વખતે તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પણ ઘ્રુવના વખાણ કર્યા હતા.
સુનિલ ગાવસ્કરે શું કહ્યું?
ગાવસ્કરે જુરેલના વખાણ કરતા ધોનીને યાદ કર્યો હતો. ભારતીય દિગ્ગજે કહ્યું કે જુરેલની માનસિક ક્ષમતા તેને એ વિચારવા મજબૂર કરે છે કે, ભારત પાસે આગામી ધોની હોઈ શકે છે. ગાવસ્કરે સત્તાવાર પ્રસારણકર્તાને કહ્યું, ધ્રુવ જુરેલની માનસિક ક્ષમતાને જોતા, મને લાગે છે કે તે આગામી એમએસ ધોની બનવા જઈ રહ્યો છે. ગાવસ્કરે રાજકોટમાં બેન ડકેટના રન આઉટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે થ્રો બહુ સારો ન હતો, પરંતુ જુરેલે સમજદારીપૂર્વક ડકેટને આઉટ કર્યો.
કુંબલેએ તેના જોરદાર વખાણ કર્યા
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના અગ્રણી વિકેટ લેનાર કુંબલેએ ધોનીના હોમટાઉનમાં શાનદાર ઇનિંગ્સ રમવા બદલ જુરેલની પ્રશંસા કરી હતી. કુંબલેએ ઓફિશિયલ બ્રોડકાસ્ટરને કહ્યું, આ ઈનિંગ આનાથી સારી જગ્યાએ ન હોઈ શકે. આ એમએસ ધોનીનું શહેર છે. અને તે ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર અને કેપ્ટન છે. વિકેટકીપર બેટ્સમેન માટે અહીં આવવું ખૂબ જ ખાસ છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, જુરેલે અસાધારણ રમત બતાવી. તેણે બોલને સારી રીતે છોડ્યા. તેને પોતાના બચાવમાં વિશ્વાસ હતો. તે આક્રમક અને સકારાત્મક હતો. તે જાણતો હતો કે આ પીચ પર તેના માટે કયા પ્રકારના શોટ્સ કામ કરશે અને તમારે તે કેવી રીતે કરવું પડશે.