અમદાવાદ: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવે પોતાના ટી20 કેરિયરમાં બેટિંગની શરુઆત સિક્સ ફટકારીને કરી હતી. સૂર્યકુમારે આર્ચરની બોલ પર સિક્સ ફટકારીને ઈનિંગની શરુઆત કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેણે ત્રણ સિક્સ અને 4 ફોર મારી હતી.
સૂર્યકુમાર સેમ કરનની બોલિંગમાં મલાનના હાથે કેચ થયો હતો. અમ્પાયર દ્વારા સોફ્ટ સિગ્નલ આપવાના કારણે તેને આઉટ આપવામાં આવ્યો હતો. મેદાન પરના અમ્પાયરના સોફ્ટ સિગ્નલ આઉટ આપવા પર થર્ડ અમ્પયારે અનેકવાર રિપ્લે જોયા બાદ યાદવને આઉટ આપ્યો હતો. જો કે, રિપ્લેમાં જોઈ શકાતું હતું મલાનના હાથમાંથી બોલ જમીન સાથે અડતો નજર આવે છે. પરંતુ કોઈ ચોક્કસ સાબિત ન થતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. સૈમ કરનની બોલિંગમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલા શૉટને ડેવિડ મલાને બાઉન્ડ્રી પર કેચ કર્યો હતો. કેચ શંકાસ્પદ જણાતા થર્ડઅમ્પાયર પાસે રિવ્યૂ લેવાયો હતો.
સૂર્યકુમાર યાદવને આ રીતે આઉટ આપવા પર વિરેન્દ્ર સેહવાગ ભડક્યો હતો. તેમણે ટ્વિટર પર એક મીમ્સ શેર કર્યું હતું. સૂર્યકુમાર યાદવે બીજી મેચમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ તેને બેટિંગ માટે તક મળી નહોતી.
રોહિત શર્માએ ટી20માં પૂરા કર્યા 9000 રન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં રોહિત શર્મા માત્ર 12 રન બનાવી શક્યો હતો. પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી લીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર રોહિત ભારતનો બીજો અને દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. ટી20માં પોતાની 342 મી મેચ રમનાર રોહિતને આ મુકામ સુધી પહોંચવા માટે માત્ર 11 રનની જરૂર હતી. તેણે આદિલ રશીદની ઇનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ, ફોર અને એક રન લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
રોહિતના નામે હવે ટી20 માં 9001 રન છે. જેમાં ટી20 ઇન્ટરનેશનલના 2800 રન પણ સામેલ છે. રોહિત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ સિદ્ધી મેળવી હતી. આ મેચ પહેલા તેના નામે 302 મેચમાં 9650 રન નોંધાયા હતા.