T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ સેમીફાઇનલ મેચ 10 નવેમ્બર (ગુરુવાર)ના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો 13 નવેમ્બરે યોજાનારી ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.


ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલમાં ઇગ્લેન્ડને હરાવવું સરળ નહી રહે. ઇગ્લેન્ડની ટીમમાં એવા સ્ટાર ખેલાડીઓ છે જેઓ એકલા હાથે મેચની બાજી પલટી શકે છે. ચાલો જાણીએ એવા પાંચ અંગ્રેજ ખેલાડીઓ વિશે જેમનાથી ભારતીય ટીમે સાવધાન રહેવું પડશે. જો ભારતીય ટીમ આ પાંચ ખેલાડીઓને કાબૂમાં રાખશે તો મેચમાં ભારતીય ટીમની જીત નિશ્ચિત થઈ શકે છે.


જોસ બટલર


ઇગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલર ભારતીય ટીમ માટે સૌથી મોટો ખતરો બની શકે છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા બટલર આ વર્ષે ખૂબ જ સારા ફોર્મમાં છે. IPL 2022 માં તેણે આક્રમક બેટિંગ કરી હતી. વર્તમાન T20 વર્લ્ડ કપમાં બટલરે ચાર ઇનિંગ્સમાં 29.75ની એવરેજથી 119 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.


એલેક્સ હેલ્સ


ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યા બાદ ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સનું ફોર્મ ચિંતાજનક છે. એલેક્સે વર્તમાન ટુર્નામેન્ટમાં ચાર મેચમાં 125 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. એલેક્સ હેલ્સ કેપ્ટન બટલર સાથે ઓપનિંગ કરશે. જો ભારતીય ટીમ બટલરની સાથે એલેક્સને આઉટ કરે તો ટીમ ઈન્ડિયાનું કામ સરળ થઈ શકે છે.


બેન સ્ટોક્સ


ભારતીય ટીમે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક બેન સ્ટોક્સથી સાવચેત રહેવું પડશે. સ્ટોક્સ બોલિંગમાં પેસ અને બાઉન્સ દ્વારા વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ બેટિંગમાં પણ તે ઈંગ્લેન્ડ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બેન સ્ટોક્સે વર્તમાન ટુર્નામેન્ટમાં પાંચ વિકેટ લેવા ઉપરાંત 58 રન બનાવ્યા છે.


સેમ કુરન


ઓલરાઉન્ડર સેમ કુરેન બોલિંગમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે. કુરેને વર્તમાન T20 વર્લ્ડ કપમાં કુલ ચાર ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રનમાં પાંચ વિકેટ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ઈંગ્લેન્ડ તરફથી આ પહેલા કોઈ ખેલાડી ટી-20 ક્રિકેટમાં પાંચ વિકેટ લઈ શક્યો ન હતો. સેમ કુરન પોતાની સ્વિંગથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.


ક્રિસ વોક્સ


ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ એડિલેડની ધીમી પીચ પર ખતરનાક સાબિત થઈ શકે છે. વોક્સમાં નવા બોલને સ્વિંગ કરવાની ક્ષમતા છે. તેથી ભારતીય બેટ્સમેનોએ શરૂઆતની ઓવરોમાં વોક્સ સામે સાવધાનીપૂર્વક બેટિંગ કરવી પડશે.  વર્તમાન ટુર્નામેન્ટમાં વોક્સે કુલ ચાર વિકેટ ઝડપી છે