IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.
ભારતીય ટીમનો મિડલ ઓર્ડર છેલ્લી કેટલીક સીરિઝથી સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહામે જેવા બેટ્સમેનો લાંબા સમયથી મોટી ઈનિંગ રમી શક્યા નથી. પુજારા અને કોહલીએ લીડ્સમાં અડધી સદી ફટકારીને ફોર્મમાં ફરવાનો સંકેત આપ્યો છે પરંતુ રહાણેનું ખરાબ ફોર્મ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું.
રહાણે વિદેશી પિચો પર ભારતનો સૌથી ભરોસામંદ બેટ્સમેન છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા સામે સદી બાદ કરતાં તે એક પણ મોટી ઈનિંગ રમી શક્યો નથી. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝની 6 ઈનિંગમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. લીડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં તેની પાસેથી મોટી ઈનિંગની આશા હતી પણ માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.
આ પ્રદર્શનને જોતાં તેના ટીમમાં રહેવાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોથી ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. બેંચ પર સૂર્યકુમાર યાદવ, હનુમા વિહારી, પૃથ્વી શૉ જેવા બેટ્સમેનો બેઠા છે, જેઓ તેમને તક મળવાની રાહ જોઈ રહ્યા છે. રહાણે 33 વર્ષનો થઈ ગયો છે અને તે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ તેના કરિયરની અંતિમ સીરિઝ પણ સાબિત થઈ શકે છે.
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.
ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ શરણાગતિ
ભારતની બીજી ઈનિંગ 278 રન પર સમેટાઈ ગઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સર્વાધિક 91 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સને સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી.
મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. ભારતની પ્રથમ ઈનિંગ પ્રથમ દિવસે માત્ર 78 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન જો રૂટની સદીની મદદથી 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી.