IND vs IRE 2nd T20, Rinku Singh: આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. આ તેની કારકિર્દીની બીજી મેચ હતી પરંતુ તે પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં વિસ્ફોટક બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા.
આયરલેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહે માત્ર 21 બોલમાં 38 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી.
રિંકુની તોફાની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ છેલ્લી બે ઓવરમાં 42 રન બનાવ્યા હતા. વાસ્તવમાં 18 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર 143 રન હતો. રિંકુની આ તોફાની ઈનિંગ્સ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
આ હતી ભારતની ઇનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ભારતની પ્રથમ વિકેટ ચોથી ઓવરમાં 29 રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ 11 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, આ પછી તરત જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો તિલક વર્મા નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત એક રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
34 રનમાં બે વિકેટ પડી ગયા બાદ ગાયકવાડ અને સંજૂ સેમસને સ્થિતિ સંભાળી હતી. બંન્ને વચ્ચે 71 રનની ભાગીદારી થઈ હતી. સંજૂએ 26 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેને બેન્ઝામિન વ્હાઇટે બોલ્ડ કર્યો હતો.
આ પછી ગાયકવાડે પોતાની અડધી સદી પુરી કરી હતી. તે 58ના અંગત સ્કોર પર આઉટ થયો હતો. અંતે રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. રિંકુ સિંહે માત્ર 21 બોલમાં 38 રન બનાવ્યા હતા. જ્યારે શિવમ દુબે 16 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.