Ireland vs India: ભારતે (India) ડબલિનમાં રમાયેલી T20 સિરીઝની બીજી મેચમાં આયર્લેન્ડને 4 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-0થી જીતી લીધી છે. સિરીઝની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે બીજી T20માં આયર્લેન્ડને 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ 221 રન જ બનાવી શકી હતી. મેચ દરમિયાનનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


પંડ્યાએ કિશન-હર્ષલને ગાળ આપી?
આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતની ફિલ્ડિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ ગુસ્સામાં ઈશાન કિશન અને હર્ષલ પટેલને ગાળ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંનેની સલાહ બાદ ભારતીય ટીમના બંને રિવ્યુ બગડ્યા હતા, જેથી પંડ્યા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. જ્યારે હર્ષલ પટેલ આયર્લેન્ડની ઇનિંગ્સની 11મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં તેણે એક બોલ ખૂબ જ ધીમો ફેંક્યો હતો. આ બોલ બેટ્સમેનના પેડ સાથે અથડાઈને વિકેટ કીપર ઈશાન કિશન સુધી પહોંચી ગયો હતો જેનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. જો કે, હર્ષલ-ઈશાનની સલાહને કારણે ભારતનો રિવ્યુ ખોટો સાબિત થયો.




હાર્દિકે ગાળ આપ્યાનો દાવોઃ
આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રિપ્લે દરમિયાન અપશબ્દોનો અવાજ સંભળાય છે. સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે હાર્દિક પંડ્યાએ ગાળ આપી છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ. આ પહેલાં IPL દરમિયાન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અપશબ્દો બોલતો જોવા મળ્યો હતો.