કાનપુરઃ કાનપુરમાં રમાઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારતનો ઓપનર શુભમન ગિલ શૂન્ય રને આઉટ થતાં બચ્યો હતો. અંપાયરે તેને આઉટ આપી દીધો હતો પણ ડીઆરએસના કારણે ગિલ બચી ગયો હતો.
ટોસ જીત્યા પછી ઈન્ડિયન ટીમની શરૂઆત સાવચેતીભરી રહી હતી પણ ટીમ સાઉથી તથા કાઈલ જેમિસને ભારતીય ઓપનરોને પરેશાન કર્યા હતા. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીએ શુભમિન ગિલ વિરુદ્ધ એલબીડબલ્યુ આઉટની અપીલ કરી હતી. આ અપીલને માન્ય રાખીને અંપાયરે આઉટ આપી દેતાં ભારતીય ટીમની પહેલી વિકેટ પડી ગઈ હતી. જો કે શુભમન ગિલે DRSનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો. રિવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે, ઈનસાઈડ એડ્જ વાગ્યા પછી ગિલના પેડ પર બોલ વાગ્યો હતો. આ કારણે અમ્પાયરે આ નિર્ણય બદલવો પડ્યો અને ગિલને જીવનદાન મળ્યું હતું. ગિલે એ પછી મક્કમતા સાથે આક્રમક બેટિંગ કરીને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું.
જો કે ભારતીય ટીમની ખુશી લાંબું નહોતી ટકી. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમિસને 8મી ઓવરના પાંચમા બોલ પર મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કર્યો હતો. જેમિસને આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ લેન્થ બોલ ફેંક્યો હતો, જેને ડિફેન્ડ કરવા જતાં બેટની આઉટસાઈડ એજ લેતાં મયંક અગ્રવાલ પેવેલિયન ભેગો થયો હતો.
આ મેચમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનર સાથે ઉતરી છે. કેપ્ટન અજિંક્ય રહાણેએ મેચ પહેલાં જ સ્પષ્ટ કહી દીધું હતું કે શ્રેયસ અય્યર ડેબ્યુ કરશે અને અમે ત્રણ સ્પિનર્સ સાથે મેદાનમાં ઊતરીશું. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. ભારતે આ ત્રણેય સ્પિનરને તક આપી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પણ 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરી છે.