IND vs NZ, 2nd Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય સ્પિનર્સ ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ ન લઈ શકતાં મેચ ડ્રો ગઈ હતી. મુંબઈ મેચ પર સીરિઝનું પરિણામ નિર્ભર કરશે.


પ્રથમ દિવસે વરસાદની સંભાવના


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શુક્રવારે વરસાદની સંભાવના છે. પ્રથમ દિવસની મોટાભાગની રમત વરસાદથી પ્રભાવિત થશે. આ સ્થિતિમાં ચાર જ દિવસની રમત શક્ય બનવાની સંભાવના છે. વરસાદના કારણે પિચ અને મેદાન પરથી મળનારા સ્વીંગ તથા બાઉન્સનો ફાયદો ઉઠાવવાની કોશિશ મહેમાન ટીમ કરશે.


શુક્રવારે મુંબઈમાં તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવનાની સાથે 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વરસાદના કારણે બંને ટીમોના કોમ્બિનેશન પર પણ અસર પડી શકે છે.


કેવી હશે પિચ


સામાન્ય રીતે વાનખેડેની પિચ ઉછાળભરી અને ફાસ્ટ હોય છે. જેનો ફાયદો ફાસ્ટ બોલરોને મળે છે. દરિયા કિનારો હોવાથી તેનો ફાયદો ફાસ્ટ બોલર્સને મળે છે. સૂત્રો મુજબ વાનખેડે સ્ટેડિયમમાં ટર્નિંગ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે પહેલા દિવસથી જ સ્પિનર્સ માટે મદદગાર સાબિત થશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ, વાનખેડેની પિચ પહેલા દિવસથી જ સ્પિનર્સને મદદ કરશે. સ્પિન ભારતીય ટીમની તાકાત છે અને આ કારણે અમે ટર્નિંગ ટ્રેક તૈયાર કરી રહ્યા છીએ.






ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન


શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ


રિદ્ધિમાન સાહાના રમવા પર સસ્પેન્સ


પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ અડધી સદીની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ઈજાગ્રસ્ત થયો હતો. જો તે બીજી ટેસ્ટ મેચ માટે ફિટ ન હોય તો કેએસ ભરતને પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યાએ સામેલ કરી શકાય છે.