India vs New Zealand Test: ટોમ લેથમની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટમાં ભારતને 25 રનથી હરાવ્યું. આની સાથે જ ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો. કીવી ટીમે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ સીરીઝ જીતી છે. 24 વર્ષ બાદ ભારતને પોતાના ઘરમાં ક્લીન સ્વીપ થવું પડ્યું. છેલ્લે ટીમ ઈન્ડિયા 2000માં બે મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકા સામે ક્લીન સ્વીપ થઈ હતી.


વાનખેડેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં 263 રન પર ઓલઆઉટ થઈ ગઈ.


ભારતને 28 રનની લીડ મળી હતી. જવાબમાં કીવી ટીમ બીજી ઇનિંગ્સમાં 174 રન પર ઓલઆઉટ થઈ. ભારત સામે 147 રનનો લક્ષ્યાંક હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 121 રન જ બનાવી શકી અને ન્યૂઝીલેન્ડે 25 રનથી ત્રીજી ટેસ્ટ જીતી લીધી. ચાલો જાણીએ ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો.


ટોસ હારવો બન્યો હારનું કારણ


ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્મા ફરી એકવાર ટોસ હારી ગયા. ભારતને ચોથી ઇનિંગ્સમાં જીત માટે 147 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સ્પિન લેતી પિચ પર ભારતીય બેટ્સમેન રન બનાવવામાં સંઘર્ષ કરતા દેખાયા. ભારતની ઇનિંગ્સ 121 રન પર સમેટાઈ ગઈ અને ન્યૂઝીલેન્ડે 25 રનથી મુંબઈ ટેસ્ટ જીતીને સીરીઝ પર 3 0થી કબજો જમાવ્યો.


ઓપનર્સ વચ્ચે કોઈ મોટી ભાગીદારી નહીં


મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે એક સમયે જીત સરળ લાગી રહી હતી, પરંતુ મેચ હાથમાંથી એટલા માટે નીકળી ગઈ કારણ કે ઓપનિંગ જોડી વચ્ચે કોઈ મોટી ભાગીદારી નહીં બની. 147ના નાના લક્ષ્યાંકનો પીછો કરવામાં ભારતીય બેટ્સમેન નિષ્ફળ રહ્યા. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ કોઈ મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા. યશસ્વી બીજી ઇનિંગ્સમાં 5 રન અને કેપ્ટન રોહિત 11 બોલમાં 11 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા.


વિરાટ અને રોહિતનો ફ્લોપ શો


વિરાટ કોહલી અને રોહિત શર્માનો ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં ફ્લોપ શો જોવા મળ્યો. બંને બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરતા દેખાયા. ત્રીજી ટેસ્ટમાં રોહિતે પ્રથમ ઇનિંગ્સમાં 18, તો બીજી ઇનિંગ્સમાં 11 રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલી પ્રથમ ઇનિંગ્સમાં 4 અને બીજી ઇનિંગ્સમાં માત્ર 1 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. આ બંને દિગ્ગજોના પ્રદર્શનને કારણે આ મેચ ભારતે ગુમાવી દીધી. રોહિતે 2,52,0,8,18 અને 11 રનની ઇનિંગ્સ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં રમી, જ્યારે કોહલીએ પાંચ મેચમાં 0,70,1,17,4 અને 1 રન બનાવ્યા.


મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ


ઓપનિંગ જોડી જો નિષ્ફળ થાય તો કોઈપણ ટીમના મિડલ ઓર્ડરનું કામ હોય છે કે તે ઇનિંગ્સને સંભાળે, પરંતુ વિકેટ પડવાનો સિલસિલો રોકવાને બદલે વધતો ગયો. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે 84 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તો 29 રનના સ્કોર પર અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. બીજી ઇનિંગ્સમાં કોહલી, સરફરાજ, શુભમન ગિલ 1-1 રન બનાવીને આઉટ થયા.


ખરાબ શોટ સિલેક્શન


147 રનનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ઇનિંગ્સમાં રોહિત શર્મા ખરાબ શોટ મારવાના ચક્કરમાં આઉટ થયા. શુભમન ગિલે પ્રથમ ઇનિંગ્સમાં 90 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેઓ એજાઝ પટેલની બોલને સમજી શક્યા નહીં અને સ્ટમ્પ પર આવી રહેલી બોલને તેમણે છોડી અને બેટ ઉપાડી લીધું. આ દરમિયાન સ્ટમ્પ્સ પડ્યા અને તેમને પેવેલિયન પરત ફરવું પડ્યું. કોહલી બંને ઇનિંગ્સમાં ખરાબ શોટ રમીને આઉટ થયા.


આ પણ વાંચોઃ


કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે