India WTC final qualification: ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. આ સિરીઝ શરૂ થયા પહેલાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને હતી અને ફાઈનલમાં પહોંચવાની રેસમાં પણ સૌથી આગળ હતી, પરંતુ કીવી ટીમ સામે ત્રણેય મેચમાં હારનો સામનો કર્યા પછી હવે ટીમ ઈન્ડિયા માટે WTCની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.
મુંબઈ ટેસ્ટ મેચમાં મળેલી હાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ હવે 58.33 અંક ટકા સાથે બીજા નંબરે આવી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 62.50 PCT સાથે પ્રથમ નંબરે પહોંચી ગઈ છે.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે હજુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના એડિશનમાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 22 નવેમ્બરથી રમવાની છે.
જો ટીમ ઈન્ડિયાએ આ સંસ્કરણની ફાઈનલમાં પોતાનું સ્થાન પાકું કરવું હોય તો તેમણે આ 5 મેચની ટેસ્ટ સિરીઝમાંથી ઓછામાં ઓછી 4 મેચમાં જીત મેળવવાનો પ્રયાસ કરવો પડશે. આનાથી ભારતીય ટીમ પોતાનું સ્થાન સીધું પાકું કરી લેશે અને તેને અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો નહીં પડે. હાલમાં WTCની પોઈન્ટ્સ ટેબલમાં શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે જેમાં તેના અંકોની ટકાવારી 55.56ની છે.
ઓસ્ટ્રેલિયાના છેલ્લા 2 પ્રવાસ પર ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ તો થઈ પરંતુ આ વખતે યજમાન ટીમના ફોર્મને જોતાં તેમના માટે આ રસ્તો સરળ નહીં રહે. જો ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝમાં આશા મુજબનું પ્રદર્શન નહીં કરી શકે તો તેને પછી અન્ય ટેસ્ટ સિરીઝના પરિણામ પર આધાર રાખવો પડશે જેમાં ફાઈનલમાં પહોંચવાની રેસમાં રહેલા શ્રીલંકા અને સાઉથ આફ્રિકા મોટો ખતરો બની રહેશે.
જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં હારશે તો તેના માટે ફાઈનલનો રસ્તો લગભગ અશક્ય બની જશે. તેથી ભારતે કોઈપણ ભોગે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી જીતવી પડશે. જણાવી દઈએ કે આ સિરીઝમાં ઋષભ પંત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. તેમણે 3 મેચમાં 261 રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ