Most Runs in ODI Series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે શ્રેણીમાં ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ત્રણ મેચોની શ્રેણીમાં તેના બેટમાંથી એક બેવડી અને એક સદી નીકળી છે. ત્રણ મેચની વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શુભમન ગીલે તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. આ સાથે જ તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.


ગિલે ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણીમાં કુલ 360 રન બનાવ્યા છે. આ મામલે તેણે બાબર આઝમની બરાબરી કરી લીધી છે. 2016માં બાબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વનડે શ્રેણીમાં કુલ 360 રન બનાવ્યા હતા. હવે ગિલે બાબર આઝમના આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગિલ આ મામલે બીજા નંબરે આવી ગયો છે. આ સિવાય બાંગ્લાદેશના ઇમરુલ કાયેસે 2018માં ઝિમ્બાબ્વે સામેની ત્રણ વનડે શ્રેણીમાં 349 રન બનાવ્યા હતા. તે જ સમયે, વિરાટ કોહલી પણ 283 રન બનાવીને આ લિસ્ટમાં 18માં નંબર પર છે. તેણે અગાઉ શ્રીલંકા સામે રમાયેલી શ્રેણીમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.


ત્રણ વનડે શ્રેણીમાં સૌથી વધુ રન - ટોપ-5 બેટ્સમેન


બાબર આઝમ (પાકિસ્તાન) 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 360.
શુભમન ગિલ (ભારત) 2023માં ન્યુઝીલેન્ડ સામે 360.
ઇમરુલ કાયેસ (બાંગ્લાદેશ) 2018માં ઝિમ્બાબ્વે સામે 349.
ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) 2013માં ભારત સામે 342 રન.
માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) 2013માં ઈંગ્લેન્ડ સામે 330 રન.


સિરીઝની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી


શુભમન ગિલે આ શ્રેણીની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, શ્રેણીની ત્રીજી મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં તેણે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 112 રનની ઈનિંગ રમી હતી. 


ભારતે ન્યુઝીલેન્ડને જીતવા આપ્યો 386 રનનો ટાર્ગેટ, રોહિત-ગિલની સદી


ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 85 બોલમાં 101 રન,  ગિલે 78 બોલમાં 112 રન અને હાર્દિક પંડ્યે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 36, શાર્દુલ ઠાકુરે 25, ઈશાન કિશને 17 અને સૂર્યકુમાર યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતું.  ન્યુઝીલેન્ડ તરફતી જેકોબ ડફીએ 100 રનમાં 3, ટિકનેર 76 રનમાં 3 વિકેટ લીધી હતી.