ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 3 ટી-20 મેચોની શ્રેણી 1-0થી કબજે કરી લીધી છે. નેપિયરમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. વરસાદના કારણે મેચ મોડા શરૂ થઈ હતી. બાદમાં તેને અધવચ્ચે અટકાવવી પડી હતી. પરંતુ જ્યારે મેચ ટાઈ જાહેર થઈ ત્યારે ચાહકોના મનમાં એક મૂંઝવણ પણ ઉભી થઈ હતી.
અત્યાર સુધી ઘણીવાર એવું જોવા મળે છે કે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અથવા ICC ટુર્નામેન્ટની પ્લેઓફ મેચોમાં જ થાય છે. અન્ય મેચને રદ જાહેર કરવામાં આવે છે. પરંતુ નેપિયરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં આવું બન્યું ન હતું. આ મૂંઝવણને દૂર કરવા માટે ICCના નવા નિયમોને સમજવા જરૂરી છે.
ભારત-ન્યૂઝીલેન્ડ T20 મેચમાં શું થયું?
નેપિયરમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 160 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે અને ગ્લેન ફિલિપ્સની અડધી સદીના કારણે ન્યૂઝીલેન્ડ આ સ્કોર સુધી પહોંચ્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે તે 200ને પણ પાર કરી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે 4-4 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને રોકી દીધું હતું.
જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ આવી ત્યારે તેની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન, ઋષભ પંત સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા અને શ્રેયસ અય્યર પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયા હતા. સૂર્યકુમાર યાદવ આ મેચમાં કંઈ જ અદભૂત પ્રદર્શન કરી શક્યો નહોતો અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 60 રન હતો.
જ્યારે મેચમાં વરસાદ આવ્યો ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડાએ સ્કોર 75 સુધી પહોંચાડ્યો હતો. થોડીવાર રાહ જોયા બાદ મેચ ટાઈ જાહેર કરવામાં આવી હતી. અહીં ડકવર્થ-લુઈસનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો અને ભારતનો સ્કોર લક્ષ્યાંકની બરાબર હતો. આવી સ્થિતિમાં મેચ ટાઈ રહી હતી અને ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-0થી જીતી લીધી હતી.
મેચ કેમ ટાઈ થઈ?
આ મેચમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ જ્યારે બીજી ઇનિંગ ચાલી રહી હોય ત્યારે બાકીની ઓવરો, વિકેટના આધારે તે સમયે નક્કી કરાયેલા ટાર્ગેટને નવી રીતે નક્કી કરવામાં આવે છે. જ્યારે ડકવર્થ-લુઈસ લાગુ કરવામાં આવે છે ત્યારે બે પ્રકારના સ્કોર નક્કી કરવામાં આવે છે પહેલો બરોબરીનો સ્કોર અને બીજો ટાર્ગેટ સ્કોર છે.
બીજા દાવની શરૂઆત પહેલા ટાઈ સ્કોર નક્કી કરવામાં આવે છે જ્યારે વરસાદને કારણે મેચ બંધ થઈ જાય તો ટાર્ગેટ સ્કોર નક્કી કરવામાં આવે છે. સમાન સ્કોરમાં નિયમિત ઓવરો અને વિકેટો પછી નિશ્ચિત સ્કોર સુધી પહોંચવું જરૂરી છે, જે ટીમ ઇન્ડિયા સાથે આ મેચમાં થયું. જો મેચ ટાઈ થાય તો T20 ઈન્ટરનેશનલમાં સુપર ઓવરની પણ જોગવાઈ છે, પરંતુ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં સુપર ઓવર શક્ય ન હતી કારણ કે અહીં વરસાદ પડી રહ્યો હતો અને મેદાન પણ ભીનું હતું.