મુંબઇઃ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.એઝાઝ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ ભારતના અનિલ કુંબલે અને ઇગ્લેન્ડના જિમ લેકરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.


એઝાઝ પટેલ ન્યૂઝિલેન્ડ તરફથી ટેસ્ટમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ  વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. આ અગાઉ ન્યૂઝિલેન્ડનો એક પણ બોલર ટેસ્ટમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી ચૂક્યો નથી. આ અગાઉ  રિચાર્ડ હેડલીએ 1985માં ઓસ્ટ્રેલિયા સામે 52 રન આપી નવ વિકેટ ઝડપી હતી. તે સિવાય રિચાર્ડ હેડલીએ 1976માં 23 રન આપી સાત વિકેટ ઝડપી હતી.


એક ડિસેમ્બર 2017માં ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરે વેસ્ટ ઇન્ડિયા  સામેની ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 39 રન આપી  સાત વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં ન્યૂઝિલેન્ડનો એક ઇનિંગ અને 67 રનથી વિજય થયો હતો. તે સિવાય ક્રિસ ક્રેઇન્સે 1999માં વેસ્ટ ઇન્ડિઝ સામે 27 રન આપી સાત વિકેટ ઝડપી હતી.


રસપ્રદ વાત એ છે કે એઝાઝ પટેલે જે મેદાન પર આ સિદ્ધિ હાંસલ કરી છે તેવા મુંબઇમાં જ તેનો જન્મ થયો હતો. એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો. ત્યારબાદ 1996માં એઝાઝના માતા પિતા ન્યૂઝિલેન્ડ જતા રહ્યા હતા. શુક્રવારે તેના પરિવારના કેટલાક સભ્યો મુંબઇ સ્ટેડિયમમાં પેવેલિયનથી શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપતા જોવા મળ્યા હતા. તેના પિતરાઇ ભાઇ અને સંબંધીઓ મેચ જોવા પહોંચ્યા છે.


એઝાઝના પરિવાર પાસે હાલમાં પણ જોગેશ્વરીમાં એક ઘર છે. તેમની માતા શાહનાઝ પટેલ ઓશિવારા પાસે એક સ્કૂલમાં ભણાવતા હતા જ્યારે તેમના પિતા યુનુસ પટેલ રેફ્રિજરેશન બિઝનેસમાં હતા.  એઝાઝના પિતરાઇ ભાઇ ઓવૈસે કહ્યું કે કોરોના મહામારી અગાઉ તેમનો પરિવાર ભારતમાં વેકેશન માણવા આવતા હતા.


નોંધનીય છે કે એઝાઝ પટેલે આ સાથે ટેસ્ટમાં ભારત સામે બેસ્ટ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 119 રનમાં 10 વિકેટ લીધી હતી. જ્યારે 1971માં પોર્ટ ઓફ સ્પેનમાં જેક નોર્જિયાએ 95 રનમાં 9 વિકેટ લીધી હતી.  આ ઉપરાંત તેણે ભારત સામે ભારતમાં રમતી વખતે પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ પહેલા 2017માં નાથન લાયને 50 રનમાં 8 અને 2008માં જેસન ક્રેઝાએ 215 રનમાં 8 વિકેટ ઝડપી હતી.