Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ટુર્નામેન્ટમાં અદ્ભુત રહ્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધી રમાયેલી ચારેય મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો છે. સેમિફાઇનલમાં, રોહિતની સેનાએ કાંગારૂઓને હરાવીને ફાઇનલમાં ટિકિટ બુક કરાવી. કિંગ કોહલી બેટિંગ દ્વારા પોતાના અદ્ભુત ફોર્મમાં પાછો ફર્યો છે. કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા પણ સંપૂર્ણ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડે પણ દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું.
ભારત અને ન્યુઝીલેન્ડ ટુર્નામેન્ટમાં પહેલા પણ એક વાર ટકરાયા છે, જ્યાં રોહિતની ટીમે કિવી ટીમને 44 રનથી હરાવી હતી. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશો. તે જ સમયે, તમે JioHotstar પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ મફતમાં માણી શકશો. ટીમ ઈન્ડિયા આજ સુધી આઈસીસી ઇવેન્ટ્સની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી શકી નથી. કેપ્ટન રોહિતના નેતૃત્વમાં, ભારતીય ટીમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇતિહાસ રચવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ
2000 પછી આ પહેલી વાર છે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાઇ રહ્યા છે. બંને વચ્ચે 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટાઇટલ મેચ રમાશે. નોંધનીય છે કે જ્યારે બંને ટીમો છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકબીજા સામે ટકરાઈ હતી, ત્યારે કિવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એક જ ગ્રુપમાં હતા. ગ્રુપ સ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું
2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાયા હતા
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સીઝન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યૂઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઇનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. અહીં ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11 માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ હતા.
ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રન બનાવ્યા. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન ફટકાર્યા હતા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની ભાગીદારી કરી હતી. . જોકે, આ પછી અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. લક્ષ્યનો પીછો કરતી વખતે ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચો...