ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પહેલાં, ટીમ ઇન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે ટીમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે, ત્યારે વિરાટ કોહલીની ઈજાના સમાચાર ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દુબઈની આઈસીસી એકેડમીમાં ફાસ્ટ બોલિંગ સામે પ્રેક્ટિસ કરતી વખતે વિરાટ કોહલીના પગમાં બોલ વાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, બોલ વાગ્યા બાદ વિરાટ કોહલી પીડાથી કણસતો જોવા મળ્યો હતો અને તેણે તાત્કાલિક પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. આ ઘટનાના પગલે મેદાન પર હાજર સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.
પાકિસ્તાની મીડિયા ચેનલ જીઓ ન્યૂઝના અહેવાલ અનુસાર, વિરાટ કોહલીને પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ છે. બોલ વાગ્યા બાદ તુરંત જ ટીમ ઈન્ડિયાની મેડિકલ ટીમ તેમની પાસે પહોંચી અને તેમને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. વિરાટના ઘૂંટણ પર પેઇન રિલીવિંગ સ્પ્રે લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ઘૂંટણ પર પટ્ટી બાંધેલો પણ જોવા મળ્યો હતો.
જો કે, રિપોર્ટ્સમાં એવા પણ અહેવાલ છે કે વિરાટ કોહલીની ઈજા ગંભીર નથી. ઘટના પછી તરત જ પ્રેક્ટિસ સેશન છોડી દેવા છતાં, વિરાટ કોહલી ટીમનું પ્રશિક્ષણ સત્ર પૂરું ન થાય ત્યાં સુધી મેદાન પર હાજર રહ્યો હતો. ભારતીય કોચિંગ સ્ટાફે પણ માહિતી આપી છે કે વિરાટને વધારે ગંભીર ઈજા નથી પહોંચી અને તેઓ આશા રાખે છે કે તે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે. ટીમ ઇન્ડિયા અને કરોડો ચાહકો માટે આ રાહતના સમાચાર કહી શકાય છે.
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો મુખ્ય બેટ્સમેન છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 4 મેચોમાં 217 રન બનાવ્યા છે, જેમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી મોટી મેચોનો ખેલાડી માનવામાં આવે છે અને ફાઇનલમાં તેનું રમવું ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સૌ કોઈ એ આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલી ફાઇનલ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે.
આ પણ વાંચો....
રોહિત, વિરાટ અને જાડેજાને મોટો ઝટકો આપવની તૈયારીમાં BCCI, આ લિસ્ટમાંથી કરશે બહાર