India vs New Zealand ODI Series: ન્યૂઝીલેન્ડે ભારતને 3 વન-ડે સિરીઝમાં 1-0 થી હરાવ્યું છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47.3 ઓવરમાં 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18 ઓવરમાં માત્ર 104 રન જ બનાવી શકી હતી. દરમિયાન વરસાદ શરૂ થયો અને મેચ રદ્દ કરવામાં આવી હતી. સિરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે જીતી હતી. જ્યારે આ પછી વરસાદના કારણે બે મેચ રદ્દ થઈ હતી.
ત્રીજી વન-ડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવર પણ પૂરી કરી શકી ન હતી. ટીમે 47.3 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધીમાં 219 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોશિંગ્ટન સુંદર અને શ્રેયસ ઐય્યરે ટીમની સંભાળ લીધી હતી. સુંદરે અડધી સદી ફટકારી હતી. તેણે 64 બોલમાં 51 રન બનાવ્યા હતા. સુંદરની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. શ્રેયસે 59 બોલમાં 49 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય કોઈ ખાસ કંઈ કરી શક્યું નથી. શિખર ધવન 28 રન બનાવીને આઉટ થયો હતો.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 18 ઓવરમાં એક વિકેટના નુકસાને 104 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ફિન એલને 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 54 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ડેવોન કોનવે 51 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેન વિલિયમસન પણ અણનમ રહ્યો હતો.
ટીમ ઈન્ડિયા તરફથી એકમાત્ર વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. તેણે 5 ઓવરમાં 31 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે પણ અસરકારક બોલિંગ કરી હતી. તેણે 5 ઓવરમાં 21 રન આપ્યા હતા. દીપક ચહરે 5 ઓવરમાં 30 રન આપ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 16 રન આપ્યા હતા.