Kane Williamson Out from 3rd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ T20 મેચોની સીરિઝની છેલ્લી મેચ 22 નવેમ્બરે નેપિયરમાં રમાશે. આ મેચ પહેલા કીવી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં  ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન ત્રીજી ટી-20માંથી બહાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં ટિમ સાઉથી આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.






કેન વિલિયમ્સન ત્રીજી T20માંથી બહાર


ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ત્રીજી T20માં ઉપલબ્ધ રહેશે નહીં. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, કેન વિલિયમ્સન ટી20 સિરીઝની ત્રીજી મેચ નહીં રમે. તેની મેડિકલ એપોઇન્ટમેન્ટ છે. આવી સ્થિતિમાં ટીમમાં તેની જગ્યાએ માર્ક ચેપમેનને સ્થાન આપવામાં આવ્યું છે. તે સોમવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાશે. કેન વિલિયમ્સન આ મેચમાંથી બહાર થયા બાદ કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ સંભાળશે.






વિલિયમ્સને બીજી T20 મેચમાં અડધી સદી ફટકારી હતી


ભારતીય ટીમે બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરી હતી અને 52 બોલમાં 62 રનની અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જો કે વિલિયમ્સન આ મેચમાં કિવી ટીમને જીત અપાવી શક્યો ન હતો પરંતુ તેણે આખી મેચમાં શાનદાર લડત આપી હતી.


સાઉથીએ બીજી T20 મેચમાં હેટ્રિક લીધી હતી


ન્યૂઝીલેન્ડ ટીમના સ્ટાર બોલર અને ટિમ સાઉથીએ ભારત સામેની બીજી T20 મેચમાં હાર્દિક પંડ્યા, દીપક હુડા અને વોશિંગ્ટન સુંદરને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. સાઉથીની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ બીજી હેટ્રિક હતી. જોકે, સાઉથીની હેટ્રિક પણ કિવી ટીમને હારથી બચાવી શકી ન હતી અને ટીમ 65 રનથી મેચ હારી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ મેચની ટી-20 સીરિઝમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ હતી અને બીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો.