Shubman Gill Scored Century in all formats: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ હતી. આ નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે 168 રનથી શાનદાર જીત મેળવી હતી.  આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણી પણ 2-1થી જીતી લીધી છે. ભારતની આ જીતમાં ઓપનર શુભમન ગીલનો મોટો ફાળો હતો.



ગિલે આ મેચમાં 63 બોલમાં 126 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં કુલ 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. ટી20 ઈન્ટરનેશનલમાં ગિલની આ પ્રથમ સદી હતી. આ સદી સાથે, તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો.


ભારત માટે દરેક ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો


ગિલ ટેસ્ટ, ઓડીઆઈ અને ટી20 ઈન્ટરનેશનલ એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી બાદ ગિલનું નામ નોંધાયું છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ આ કારનામું સૌથી પહેલા કર્યું હતું. રૈનાએ ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ સદી ફટકારી હતી. આ પછી રહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને હવે શુભમને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.





ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદી


• સુરેશ રૈના.
• રોહિત શર્મા.
• કેએલ રાહુલ.
• વિરાટ કોહલી.
• શુભમન ગિલ


T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ સ્કોર બનાવ્યો


ગિલે ન્યૂઝીલેન્ડ સામે 126 રનની ઇનિંગ રમી હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે કોઈપણ ખેલાડી દ્વારા રમાયેલી આ સૌથી મોટી ઈનિંગ છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો જેણે અફઘાનિસ્તાન સામે 122 રનની અણનમ ઇનિંગ રમી હતી.


ગિલની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી


ગિલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 13 ટેસ્ટ, 21 વનડે અને 6 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં તેણે 32ની એવરેજથી 736 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં 73.76ની એવરેજથી 1254 રન બનાવ્યા છે. તે જ સમયે, T20 ઈન્ટરનેશનલમાં તેના બેટમાંથી 40.40ની એવરેજ અને 165.57ના સ્ટ્રાઈક રેટથી કુલ 202 રન થયા છે.