સાઉથટેમ્પનઃ ન્યૂઝિલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝિલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.


ભારતની હારના આ રહ્યા કારણ


પ્રથમ ઈનિંગમાં મોટો સ્કોર ન કરી શકી Team India


ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં માત્ર 217 રન જ બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પાસે મોટો સ્કોર કરવાની તક હતી પણ ન્યૂઝિલેન્ડના બોલર્સ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. તેમાં પણ છેલ્લી ત્રણ વિકેટ ખાસ ઉકાળી શકી નહોતી. પ્રથમ ઈનિંગમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નહોતો.


ન્યૂઝિલેન્ડના પૂંછડીયા બેટ્સમેનોએ હંફાવ્યા


ભારતના પ્રથમ ઈનિંગના 217 રનના સ્કોરના જવાબમાં ન્યૂઝિલેન્ડે એક સમયે 135 રનમાં 5 અને 197 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ભારત પાસે કિવી ટીમને 210 રન સુધી આઉટ કરવાની તક હતી. પણ અંતિમ ત્રણ બેટ્સમેનોએ 57 રન ઉમેરીને ભારતીય ટીમ પર 32 રનની લીડ લીધી.


બીજી ઈનિંગમાં પણ નિષ્ફળ રહ્યા બેટ્સમેનો


ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટ્સમેનો બીજી ઈનિંગમાં પણ નિષ્ફળ રહ્યા હતા. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 170 રનમાં જ ખખડી ગઈ હતી. કિવી પેસ બોલર્સ સામે ભારતીય બેટ્સમેનો નતમસ્તક થઈ ગયા હતા.


કોહલીનો બે સ્પિનર સાથે ઉતરવાનો જુગાર નિષ્ફળ


ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિનર સાથે ઉતરી હતી. મેચમાં પાંચ બેટ્સમેન, એક વિકેટકિપર અને પાંચ સ્પેશિયાલિસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરેલા કોહલીનો જુગાર નિષ્ફળ રહ્યો હતો. જાડેજા અને અશ્વિન બેટિંગમાં કમાલ કરી શક્યા નહોતા.


WTC 2021 Final IND v NZ : ન્યૂઝિલેન્ડ ટેસ્ટ ચેમ્પિયન, ભારતને 8 વિકેટથી આપી હાર