India Cricket Team Reserve Day: એશિયા કપ 2023ના સુપર-4 સ્ટેજમાં 10 સપ્ટેમ્બર, રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થઈ હતી. મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને વરસાદ પડતાં મેચની પ્રથમ ઇનિંગમાં 24.1 ઓવર પૂરી થઈ હતી. વરસાદને કારણે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને તેને બીજા દિવસના 'રિઝર્વ ડે' સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે આ 'રિઝર્વ ડે' ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી શકે છે. 'રિઝર્વ ડે' ભારત માટે સારો સાબિત થતો નથી, ટીમ ઇન્ડિયા માટે હંમેશા આ દિવસ મુશ્કેલ સાબિત થયો છે અને મોટાભાગે હારનો સામનો કરવો પડ્યો છે. 


એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પહેલાથી જ 'રિઝર્વ ડે'ની જાહેરાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો વરસાદના કારણે મેચ નિર્ધારિત દિવસે પૂર્ણ નહીં થાય, તો બીજા દિવસે (રિઝર્વ ડે) મેચ તે જ જગ્યાએથી શરૂ થશે, જ્યાંથી તેને અટકાવવામાં આવી હતી. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ છે, અને હવે આજે એટલે કે 11 સપ્ટેમ્બર, સોમવારે બપોરે 3:00 વાગ્યાથી ફરી શરૂ થશે.


ભારત માટે કેમ ખતરો સાબિત થશે 'રિઝર્વ ડે' ?
2021માં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટાઇટલ મેચ રમી હતી. વરસાદના કારણે મેચના છઠ્ઠા દિવસને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પ્રથમ અને ચોથો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, ત્યારબાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મેચને 'રિઝર્વ ડે' પર રાખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે રિઝર્વ ડે ભારત માટે સારો સાબિત થયો ન હતો.


એશિયા કપમાં ભારતની તમામ મેચોમાં વરસાદી વિઘ્ન નડ્યું - 
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એશિયા કપ 2023માં ત્રીજી મેચ રમી રહી છે અને ત્રણેય મેચમાં વરસાદે ખલેલ સર્જી છે. ટીમે ગ્રૂપ સ્ટેજમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી, જે વરસાદને કારણે રદ થઈ હતી. આ પછી નેપાળ સામે રમાયેલી બીજી મેચનું પરિણામ ડકવર્થ લૂઈસ નિયમ હેઠળ આવ્યું. હવે ફરી એકવાર વરસાદના કારણે સુપર-4માં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં વિક્ષેપ પડ્યો છે.