IND vs PAK T20 World Cup 2024: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થઇ ચૂક્યો છે. આજે બે કટ્ટર હરિફો એકબીજાની સામે ટકરાશે, ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ T20 વર્લ્ડકપ 2024ની 19મી મેચ છે, જે 09 જૂન, રવિવારના રોજ રમાશે. આ મેચમાં પીચ સિવાય હવામાન પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અહીં જાણો 9 જૂને ન્યૂયોર્કમાં કેવું રહેશે હવામાન ?


ભારત વિરૂદ્ધ પાકિસ્તાન મેચ, જાણો હવામાન રિપોર્ટ વિશે... 
ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થનારી આ શાનદાર મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ટોસના સમયે વરસાદની 40 થી 50% સંભાવના છે. જો કે, બપોરે 1 વાગ્યે વરસાદની સંભાવના ઘટીને 10% થઈ જશે, પરંતુ બપોરે 3 વાગ્યે ફરી 40% સુધી પહોંચી શકે છે.


9 જૂનને ન્યૂયોર્કનું હવામાન 
Accuweather અનુસાર, રવિવાર, 9 જૂને વરસાદની સંભાવના 42% છે. તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે અને ભેજ 58% હોઈ શકે છે. વરસાદને કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્તમાન હવામાનની આગાહી મુજબ, મેચ નિર્ધારિત મુજબ રમી શકાય છે.


ભારત વિરૂદ્ધ પાકિસ્તાન પીચ રિપોર્ટ 
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે બંને ટીમો હજુ પણ આ નવા મેદાનની સ્થિતિને અનુરૂપ છે. ન્યૂયોર્કમાં ભારતની પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરી દીધું હતું. વળી, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં માત્ર નિમ્ન સ્કોર જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે ન્યૂયોર્કની નવી પિચો બોલરોને મદદ કરી રહી છે.


ભારત વિરૂદ્ધ પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.


પાકિસ્તાની ટીમઃ- બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ.


નેટ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો કેપ્ટન રોહિત શર્મા 
નેટ સેશન દરમિયાન 37 વર્ષીય ભારતીય કેપ્ટનના અંગૂઠા પર બૉલ વાગ્યો હતો, જેના પછી ટીમના ફિઝિયો તરત જ તેમની પાસે પહોંચ્યા હતા. બોલ વાગ્યા પછી રોહિતે પોતાનો ગ્લવ્ઝ ઉતાર્યો અને તેના અંગૂઠા તરફ જોયું અને પછી ફિઝિયોએ તેની તપાસ કરી. જોકે, ટેસ્ટિંગ બાદ કેપ્ટન સંપૂર્ણ રીતે ઠીક દેખાયો અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવી સ્થિતિમાં એવું લાગે છે કે તે પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે.


આયલેન્ડ વિરૂદ્ધ રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન 
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા, પરંતુ બોલ વાગવાને કારણે તેને 10મી ઓવર બાદ મેદાન છોડવું પડ્યું હતું.


ન્યૂયોર્કના ખરાબ સ્ટેડિયમ પર આવ્યું આઇસીસીનું નિવેદન 
ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચના એક દિવસ બાદ ICCએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- "નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પિચો અપેક્ષાઓ પ્રમાણે નથી."


ICC એ એમ પણ કહ્યું કે "વર્લ્ડ ક્લાસ ગ્રાઉન્ડસ્કીપિંગ ટીમ ગઈકાલની મેચથી પિચના સમારકામમાં વ્યસ્ત છે, જેથી બાકીની મેચો માટે વધુ સારી પિચ તૈયાર કરી શકાય."