IND vs SA 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-મેચની ODI સીરીઝની પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં છે. વળી, એઇડન માર્કરમ દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા બંને ટીમો વચ્ચે 3 મેચની T20 સીરીઝ રમાઈ હતી. આ સીરીઝ 1-1 થી બરાબર રહી હતી, હવે ભારતીય ટીમે વનડે સીરીઝમાં પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. 


ભારતે વનડે સીરીઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 116 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી અને અણનમ 55 રન બનાવ્યા. તેણે 43 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યરે 45 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા અર્શદીપસિંહ અને અવેશ ખાને બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અર્શદીપે 10 ​​ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ લીધી હતી. આવેશ  ખાને 8 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને પણ સફળતા મળી.






જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં 17 ડિસેમ્બર (રવિવાર)ના રોજ રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 16.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે.


લક્ષ્યનો પીછો કરવામાં ભારતીય ટીમને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. ઋતુરાજ ગાયકવાડ 23 રનના સ્કોર પર આઉટ થયા બાદ સાઈ સુદર્શન અને શ્રેયસ અય્યરે 88 રનની ભાગીદારી કરી ભારતને મેચ જીતાડવી.