ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પલટવાર કર્યો અને બીજી મેચ સાત વિકેટે જીતી લીધી. આવી સ્થિતિમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંન્ને ટીમો માટે કરો યા મરો જેવી છે.


આ ત્રીજી વનડે મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે.ઉલ્લેખનીય છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને મંગળવારે પણ વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં 50-50 ઓવરની સંપૂર્ણ રમત ન થાય તેવી સંભાવના છે. જો ઓવર કાપવામાં આવે તો બીજી બેટિંગ કરનાર ટીમને ફાયદો થઇ શકે છે.


ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન શિખર ધવન અને યુવા બેટ્સમેન શુભમન ગિલની ઓપનિંગ જોડીનું પ્રદર્શન છે. આ બંને બેટ્સમેન અત્યાર સુધી વર્તમાન સીરિઝમાં  રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વનડેમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય બેટ્સમેનોમાંના એક ધવને અત્યાર સુધી માત્ર 17 રન જ બનાવ્યા છે. બધાની નજર આવતા વર્ષના ODI વર્લ્ડ કપ પર છે. અનુભવી બેટ્સમેન ધવન નિર્ણાયકમાં ટીમને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે.


બીજી તરફ શુભમન ગિલ તેને મળેલી તકનો લાભ ઉઠાવી શક્યો નથી. પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ તે બીજી વનડેમાં સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો. ભારતનો મિડલ ઓર્ડર જોકે મજબૂત દેખાય છે, જેમાં શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે.


શ્રેયસ અય્યર-સંજુ ફોર્મમાં


શ્રેયસ અય્યર અને સેમસને શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇશાને છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી.  ભારતીય ટીમ મેનેજમેન્ટ ODI વર્લ્ડ કપ માટે ખેલાડીઓને અજમાવી રહ્યું છે, ત્યારે ત્રણેય ખેલાડીઓ પોતાનું ફોર્મ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. બોલિંગમાં મોહમ્મદ સિરાજે ટી-20 વર્લ્ડ કપ માટે ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને ટીમમાં સામેલ કરવાનો જોરદાર દાવો કર્યો છે. સ્પિનર ​​શાહબાઝ અહેમદે પણ પોતાના ડેબ્યૂમાં સારો દેખાવ કર્યો હતો.


બીજી તરફ, દક્ષિણ આફ્રિકા માટે આ શ્રેણી આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપના પરિપ્રેક્ષ્યમાં ઘણી મહત્વની છે. આવી સ્થિતિમાં આફ્રિકન ટીમ ત્રીજી વનડે જીતીને ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગમાં પોતાના ખાતામાં કેટલાક પોઈન્ટ ઉમેરવાનો પૂરો પ્રયાસ કરશે. કેપ્ટન ટેમ્બા બાવુમાની તબિયત ખરાબ હોવાને કારણે બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તે નિર્ણાયક મેચમાં વાપસી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.


રાંચી ODIમાં કેરટેકર કેપ્ટન કેશવ મહારાજનો ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો કારણ કે દક્ષિણ આફ્રિકાના બોલરોને પાછળથી બોલિંગ કરતી વખતે ઝાકળને કારણે ઘણું નુકસાન થયું હતું. ક્વિન્ટન ડી કોક, એડન માર્કરામ અને ડેવિડ મિલર જેવા બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે.