IND vs SA T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે ધર્મશાલામાં રમાનારી ત્રીજી T20 મેચ માત્ર સિરીઝ જીતવા માટે જ નહીં, પરંતુ ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન શુભમન ગિલના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની રહેવાની છે. સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ગિલ માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો તેનું બેટ અહીં નહીં ચાલે તો T20 વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટ 'પ્લાન-બી' તરફ વળી શકે છે. બીજી તરફ, ગૌતમ ગંભીરના વ્યૂહાત્મક પ્રયોગો પણ સવાલોના ઘેરામાં છે.
શુભમન ગિલ માટે 'કરો યા મરો'ની સ્થિતિ
ધર્મશાલાના મેદાન પર જ્યારે ટીમ ઈન્ડિયા ઉતરશે ત્યારે તમામની નજર શુભમન ગિલ પર હશે. T20 વર્લ્ડ કપને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે અને ભારત પાસે માત્ર 8 મેચો બચી છે. આવા સમયે, વાઈસ-કેપ્ટનનું ફોર્મમાં ન હોવું ચિંતાનો વિષય છે. પસંદગી સમિતિએ સંજુ સેમસન જેવા ઇન-ફોર્મ ખેલાડીને બહાર રાખીને ગિલ પર ભરોસો મૂક્યો હતો. હવે જો ગિલ આ વિશ્વાસ પર ખરો નહીં ઉતરે, તો ન્યુઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ કે સંજુ સેમસન માટે દરવાજા ખુલી શકે છે.
કેપ્ટન સૂર્યા સુરક્ષિત, પણ ગિલે સાબિત કરવું પડશે
છેલ્લા એક વર્ષમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ પણ ચિંતાજનક રહ્યું છે, પરંતુ ટીમના કેપ્ટન હોવાને નાતે વર્લ્ડ કપ સુધી તેમનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, શુભમન ગિલને આવી કોઈ 'રાહત' મળવાની શક્યતા નથી. T20 ઓપનર તરીકે તે ટીમની પ્રથમ પસંદગી નહોતો, તેથી તેણે પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે અપવાદરૂપ પ્રદર્શન કરવું જ પડશે.
ગંભીરના 'અખતરા' પર લાગશે બ્રેક?
બીજી T20 મેચમાં મળેલી હાર બાદ કોચ ગૌતમ ગંભીરની રણનીતિની ટીકા થઈ રહી છે. ખાસ કરીને અક્ષર પટેલને નંબર-3 પર મોકલવો અને શિવમ દુબે જેવા હિટરને નંબર-8 પર ધકેલવો, આ બંને નિર્ણયો 'વ્યૂહાત્મક ભૂલ' સાબિત થયા હતા. ધર્મશાલાની નિર્ણાયક મેચમાં આવા પ્રયોગો ટાળીને સૂર્યકુમાર યાદવ પોતાના નિયત ક્રમે (નંબર-3) બેટિંગ કરવા આવે તેવી પૂરી શક્યતા છે.
શું કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળશે?
ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પ્રશ્ન બોલિંગ કોમ્બિનેશનનો છે. કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે હંમેશા મુસીબત સાબિત થયો છે, છતાં તેને બહાર બેસવું પડે છે. તેનું કારણ એ છે કે ભારતને નંબર-8 પર પણ બેટિંગ કરી શકે તેવો બોલર જોઈએ છે, અને કુલદીપ અહીં ફિટ બેસતો નથી. જોકે, સિરીઝ બચાવવા માટે વિકેટ લેવી જરૂરી છે, તેથી મેનેજમેન્ટ કદાચ અર્શદીપ કે વરુણ ચક્રવર્તીને આરામ આપીને કુલદીપ અથવા હર્ષિત રાણાને તક આપી શકે છે. પણ તેની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ધર્મશાલા માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી/કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.