Gautam Gambhir Hardik Pandya fight: દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં ભારતની 51 રને કારમી હાર બાદ ટીમના માહોલને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વચ્ચે ગંભીર વાતચીત કે દલીલ થતી જોવા મળી રહી છે. હાર્દિકની ધીમી બેટિંગ અને ગંભીરના વ્યૂહાત્મક નિર્ણયોને કારણે બંને હાલમાં ટ્રોલર્સના નિશાના પર છે.
શું ખરેખર બંને વચ્ચે ઝઘડો થયો હતો?
મુલ્લાનપુરમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ ઈન્ટરનેટ પર એક ક્લિપ આગની જેમ ફેલાઈ રહી છે. આ વીડિયોમાં ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા વચ્ચે કોઈ મુદ્દે ગહન ચર્ચા થતી હોય તેવું દ્રશ્યમાન થાય છે. જોકે, વીડિયોમાં કોઈ સ્પષ્ટ ઓડિયો (અવાજ) સંભળાતો નથી, તેથી તેઓ વચ્ચે દલીલ થઈ રહી છે કે મેચનું વિશ્લેષણ ચાલી રહ્યું છે તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. પરંતુ, બંનેની 'બોડી લેંગ્વેજ' જોઈને ક્રિકેટ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે વાતચીતનો સૂર હળવો તો બિલકુલ નહોતો. એવું લાગી રહ્યું છે કે હારના કારણોને લઈને કોચ અને ખેલાડી વચ્ચે ગંભીર મતભેદ સર્જાયા હોઈ શકે છે.
શ્રેણી 1-1 થી બરાબર, પણ ભારત માટે ચિંતા
પ્રથમ મેચમાં 9 વિકેટે શાનદાર જીત મેળવ્યા બાદ, બીજી મેચમાં ભારતીય ટીમનો રકાસ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ જોરદાર વાપસી કરતા ભારતને 214 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ અને ટીમ 51 રનના મોટા અંતરથી હારી ગઈ. આ હાર સાથે જ T20 સીરીઝ હવે 1-1 થી બરાબરી પર આવી ગઈ છે.
હાર્દિક પંડ્યાની ધીમી ઈનિંગ પર સવાલો
જ્યારે હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 7.3 ઓવરમાં 4 વિકેટે 67 રન હતો. ભારતને જીતવા માટે 150 થી વધુ રનની જરૂર હતી અને રન રેટનું દબાણ સતત વધી રહ્યું હતું. આવી નાજુક સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પંડ્યા પાસેથી આક્રમક અને ઝડપી ઈનિંગની અપેક્ષા રાખી રહી હતી. પરંતુ, હાર્દિક લયમાં જોવા મળ્યો ન હતો. તેણે 23 બોલનો સામનો કરીને માત્ર 20 રન બનાવ્યા હતા, જે T20 ફોર્મેટ અને મેચની પરિસ્થિતિ મુજબ ખૂબ જ ધીમી રમત ગણાય.
ગૌતમ ગંભીરની રણનીતિ સામે પણ રોષ
બીજી તરફ, હેડ કોચ ગૌતમ ગંભીર પણ ચાહકો અને વિવેચકોના નિશાના પર છે.
બેટિંગ ઓર્ડરમાં ફેરફાર: 214 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા માટે ગંભીરે અક્ષર પટેલને નંબર 3 પર બેટિંગ કરવા મોકલવાનો જુગાર રમ્યો હતો.
પ્રયોગ નિષ્ફળ: અક્ષર પટેલ પાવરપ્લેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો અને 21 બોલમાં માત્ર 21 રન બનાવી શક્યો. આ નિર્ણયને કારણે ટીમના મોમેન્ટમ પર બ્રેક વાગી ગઈ હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ ગંભીર પર પહેલાથી જ દબાણ હતું, અને હવે T20 માં આ પ્રકારના પ્રયોગો નિષ્ફળ જતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.