India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચના એક દિવસ પહેલાં જ કેએલ રાહુલ (kl rahul) ઈજાગ્રસ્ત થવાના કારણે સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. એવામાં ઋષભ પંતને (Rishabh Pant) ટી20 સીરીઝનું સુકાની પદ સોંપાયું છે. પંત ટી20 મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર આઠમો કેપ્ટન બનશે. આ પહેલાં 7 ભારતીય ક્રિકેટરો ટી20 મેચોમાં ટીમનું નેતૃત્વ કરી ચુક્યા છે.


વિરાટ કોહલીએ હારી હતી પહેલી મેચઃ
ટી20 માં દક્ષિણ આફ્રિકા સામે 2006માં સૌથી પહેલાં વીરેન્દ્ર સહેવાગે ભારતની કમાન સંભાળી હતી. ઈંડિયામાં ટી20ના અત્યાર સુધીના ઈતિહાસમાં 7 કેપ્ટનમાં ફક્ત વિરાટ કોહલી જ એવો એકમાત્ર ખેલાડી છે જેણે પોતાની પહેલી મેચ હારી હોય. જ્યારે સહેવાગ, એમએસ ધોની, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈના કેપ્ટન તરીકે પહેલી ટી20 મેચમાં જીત મેળવી ચુક્યા છે.


ધોનીએ પાકિસ્તાનને હરાવ્યું હતુંઃ
વીરેન્દ્ર સહેવાગે 2006માં દક્ષિણ આફ્રિકા સામે 1 મેચમાં ભારતીય ટીમના કેપ્ટનનું પદ સંભાળ્યું હતું અને મેચ જીતી હતી. ધોનીએ વિશ્વકપમાં સ્કોટલેન્ડ સામે કેપ્ટનશીપ કરી હતી પરંતુ આ મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. આ બાદ માહીએ કેપ્ટન તરીકે ટી20ની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. સુરેશ રૈનાએ વર્ષ 2010માં જિમ્બાબ્વે સામે 3 ટી20 મેચોની કેપ્ટનશીપ કરી હતી અને જીત મેળવી હતી.


ધવને શ્રીલંકાને માત આપી હતીઃ
અજિંક્ય રહાણેએ (Ajinkya Rahane) વર્ષ 2015માં જિમ્બાબ્વે સામે 2 મેચોમાં ટી20ની કેપ્ટનશીપ કરી હતી અને પહેલી મેચમાં જીત મેળવી હતી. આ બાદ રન મશીન વિરાટ કોહલીના (Virat Kohli) સુકાની પદે 2017માં ઈંગ્લેન્ડ સામે ભારત ટી20 મેચ રમ્યું હતું પરંતુ પહેલી જ મેચમાં હાર મળી હતી. રોહિત શર્માએ 2017માં શ્રીલંકા સામે કેપ્ટન તરીકે ટીમની કમાન સંભાળી હતી અને પહેલી મેચ જીતી હતી. ત્યાર બાદ શિખર ધવને (Shikhar Dhawan) 2021માં ટી20 મેચમાં કેપ્ટન તરીકે પહેલી મેચ શ્રીલંકા સામે રમી હતી અને વિજય મેળવ્યો હતો.