IND vs SA T20 WC: પર્થમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં ડેવિડ મિલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. ટીમ માટે એડિન માર્કરમે પણ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 68 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન ભારત માટે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 43 રન આપ્યા હતા.


ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ડી કોક 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બાવુમા 15 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિલે રુસો પણ ખાતું ખોલાવી શક્યો નહતો. તેને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો. એડિન માર્કરામે અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. માર્કરમની ઇનિંગમાં 6 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે.


ડેવિડ મિલરે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 46 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. મિલરે આ ઇનિંગમાં 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેણે દક્ષિણ આફ્રિકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્નેલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.


ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3.4 ઓવરમાં 21 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી.


પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. ટીમ માટે સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 14 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. કેએલ રાહુલ 9 રન બનાવીને આઉટ થયો હતો અને હાર્દિક પંડ્યાએ 2 રન બનાવ્યા હતા.