નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC T20 વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મેદાન પર ઉતરતાની સાથે ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો. સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં ભારતીય કેપ્ટને તમામ દિગ્ગજોને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

રોહિત શર્મા 2007માં રમાયેલા પ્રથમ વર્લ્ડ કપથી આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તમામ એડિશનમાં રમી ચૂકેલા આ દિગ્ગજ ખેલાડીએ એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો સરળ નહીં હોય. રોહિત રવિવારે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરતાની સાથે જ T20 વર્લ્ડ મેચમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો હતો. આ મેચ પહેલા રોહિત શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ તિલકરત્ને દિલશાન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતો.

સૌથી વધુ T20 વર્લ્ડ કપ મેચ રમી

ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાના મામલે રોહિત શર્મા ટોપ પર છે. અત્યાર સુધીમાં તેણે કુલ 35 મેચ રમી છે. આ પહેલા સૌથી વધુ T20 વર્લ્ડ કપ મેચ રમવાનો રેકોર્ડ શ્રીલંકાના દિલશાનના નામે હતો. યાદીમાં ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું નામ છે, જેણે 34 મેચ રમી હતી. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ પણ 34 મેચ રમી છે. ટૂર્નામેન્ટમાં રમી રહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પણ એટલી જ મેચ રમી ચૂક્યો છે.

ટી20 વર્લ્ડ કપની સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ

રોહિત શર્મા (ભારત) 36*

તિલકરત્ને દિલશાન (શ્રીલંકા) 35

ડ્વેન બ્રાવો (વેસ્ટ ઈન્ડિઝ) 34

શાહિદ આફ્રિદી – (પાકિસ્તાન) 34

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) 34*

આ વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવે સતત બીજી અડધી સદી ફટકારી છે. તેણે  30 બોલમાં અડધી સદી ફટકારી છે. દિનેશ કાર્તિક છ રન બનાવી આઉટ થયો હતો. આ અગાઉ રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે નિષ્ફળ રહ્યા હતા.