નવી દિલ્હી: રિષભ પંતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા નવો વર્લ્ડ રેકોર્ડ બનાવતા ચૂકી ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ T20 શ્રેણી (IND vs SA)ની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 7 વિકેટે હાર આપી હતી. આ સાથે ટીમ ઇન્ડિયા સતત 13 ટી20 ઈન્ટરનેશનલ મેચ જીતવાનો રેકોર્ડ બનાવી શકી નહોતી. ભારત, અફઘાનિસ્તાન અને રોમાનિયાએ હવે સંયુક્ત રીતે સતત 12 T20 મેચ જીતી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 4 વિકેટે 211 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામે T20Iમાં ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.1 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેન બંનેએ અણનમ અડધી સદી ફટકારી હતી. શ્રેયસ ઐય્યરે ડુસેનનો સરળ કેચ ડ્રોપ કર્યો હતો. જે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.


ટીમ ઈન્ડિયાએ નવેમ્બર 2021થી T20માં અજેય રહી હતી. દરમિયાન ટીમે 6 દેશોને હરાવ્યા હતા. ટીમે પહેલા અફઘાનિસ્તાન સામે 66 રને જીત નોંધાવી હતી. ત્યારબાદ સ્કોટલેન્ડને 8 વિકેટે અને નામિબિયાને 9 વિકેટે હરાવ્યું. આ પછી ટીમે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. હવે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમની હાર સાથે જીતનો સિલસિલો તૂટી ગયો હતો.


29 રનમાં સરળ કેચ છોડ્યો


દક્ષિણ આફ્રિકાને અંતિમ 30 બોલમાં 74 રન બનાવવાના હતા. ફાસ્ટ બોલર અવેશ ખાન 16મી ઓવર માટે આવ્યો હતો. મિલરે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. પછીના બોલ પર રાસી વાન ડુસેને ડીપ મિડવિકેટ પર શોટ રમ્યો. પરંતુ શ્રેયસ ઐય્યર તેનો આસાન કેચ પકડી શક્યો ન હતો. તે સમયે તે 30 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો હતો. આ પછી તેણે  16 બોલમાં 46 રન બનાવીને વિજય નિશ્ચિત કર્યો. તે 46 બોલમાં 75 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ડેવિડ મિલર 31 બોલમાં 64 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે ચાર ફોર અને 5 સિક્સર ફટકારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 10.3 ઓવરમાં અણનમ 131 રન ફટકાર્યા હતા.


રોહિતે 9 મેચમાં જીત મેળવી હતી


જે 12 મેચમાં ટીમ ઈન્ડિયા જીતી છે. તેમાં 2 કેપ્ટનોએ યોગદાન આપ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે 9 T20 મેચ જીતી છે. આ સાથે જ વિરાટ કોહલીએ 3 મેચમાં જીત મેળવી હતી.