India vs South Africa Head to Head: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણી શરૂ થવા જઇ રહી છે. ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ સીરિઝ માટે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રિષભ પંત વાઇસ કેપ્ટન છે. T20 ક્રિકેટમાં ઘરઆંગણે રમી રહેલા ભારતનું સાઉથ આફ્રિકા સામે પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે માત્ર એક જ T20 મેચ જીતી છે.
દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આવું રહ્યું છે
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ઘરની ધરતી પર અત્યાર સુધીમાં ચાર ટી20 મેચ રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર એક જ મેચ જીતી શકી છે. આ સાથે જ સાઉથ આફ્રિકાએ ત્રણ મેચ જીતી છે. 2015માં હિમાચલ પ્રદેશમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ સાઉથ આફ્રિકાએ સાત વિકેટે જીતી હતી. આ પછી બારાબતી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી ભારતને 2019માં પંજાબમાં પહેલી જીત મળી હતી. જો કે આ પછી ફરી દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને ચિન્નાસ્વામીમાં હરાવ્યું હતું.
સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ
ભારતે સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાયું છે. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે કુલ્ચાની જોડીને પણ ફરી સ્થાન મળ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમદ શમી, જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
T20 સીરીઝનો કાર્યક્રમઃ
- પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી
- બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક
- ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
- ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ
- પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર