IND vs SL, 1st Test: ભારત-શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટનું ત્રીજા દિવસે જ પરિણામ આવ્યું છે. આજે સવારે ફોલોઅન બાદ શ્રીલંકાની બીજી ઈનિંગ 178 રનમાં સમેટાઈ જતાં ભારતનો 222 રનથી વિજય થયો હતો.. ડિકવેલા 51 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 46 રનમાં 4, અશ્વિને 47 રનમાં 4 અને શમીએ 48 રનમાં બે વિકેટ લીધી હતી. જીત સાથે ભારતે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.


આજે સવારે લંચ પહેલા શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 174 રનમાં સમેટાઈ જતાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ પ્રવાસી ટીમને ફોલોઅન આપ્યું હતું. પ્રથમ ઈનિંગમાં જાડેજાએ 5, અશ્વિન અને બુમરાહે 2-2 તથા શમીએ 1 વિકેટ લીધી હતી.






બીજા દિવસે શું થયું


મોહાલી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના નુકસાને 574 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ દરમિયાન જાડેજાએ 175 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિષભ પંત સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. પંતે 96 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 29 અને વિરાટ કોહલી 45 રન બનાવીને આઉટ થયા હતા. હનુમા વિહારીએ 58 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના 574 રનના જવાબમાં શ્રીલંકાએ બીજા દિવસના અંતે 4 વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા હતા.


બીજા દિવસની શરૂઆતમાં શેન વોર્ન અને રોડ માર્શને શ્રદ્ધાંજલી આપવા માટે બંને ટીમો પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી મેદાનમાં રમવા ઉતરી હતી. બીજા દિવસની રમત શરૂ થાય એ પહેલા 1 મિનિટનું મૌન પણ પાળ્યું હતું.


પ્રથમ દિવસે ભારતે ટોસ જીતી બેટિંગ લીધી


ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ. રિષભ પંતની વન ડે સ્ટાઈલની 97 બોલમાં 96 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ વનડાઉન આવેલા વિહારીના 58 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે મોહાલીમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે 6 વિકેટે 357 રન કર્યા હતા. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચ રન માટે અડધી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિત પણ પ્રભાવ પાડી શક્યો નહતો અને 29 રને આઉટ થયો હતો. રમતના અંતે જાડેજા 45 અને અશ્વિન 10 રને રમતમાં હતા.


પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ


શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ  દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા