ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે કારકિર્દીની 100મી ટેસ્ટ મેચમાં 8000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે છઠ્ઠો ખેલાડી બની ગયો છે. મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં કોહલીએ આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.


ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 200 મેચમાં 15921 રન બનાવ્યા છે. જ્યારે વિરાટનું નામ પણ 8 હજાર કે તેથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વર્તમાન રેકોર્ડ પર નજર કરીએ તો સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે કોહલી પણ છઠ્ઠા સ્થાન પર છે.






નોંધનીય છે કે ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન પ્રથમ સ્થાને છે. જ્યારે રાહુલ દ્રવિડ આ મામલે બીજા સ્થાને છે. દ્રવિડે 164 મેચમાં 36 સદીની મદદથી 13288 રન બનાવ્યા છે. સુનીલ ગાવસ્કરે 125 મેચમાં 10122 રન બનાવ્યા છે. આ મામલામાં વીવીએસ લક્ષ્મણ ચોથા સ્થાને અને વીરેન્દ્ર સેહવાગ પાંચમા સ્થાને છે.


નોંધનીય છે કે, આ ટેસ્ટ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ છે. તે પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમનાર 12મો ભારતીય બન્યો છે. આ પ્રસંગે ભારતીય ટીમના કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કોહલીનું સન્માન કર્યું હતું. રાહુલ દ્રવિડે 100મી ટેસ્ટ રમવા માટે કોહલીને ખાસ કેપ સોંપી હતી. મોહાલીમાં સન્માન દરમિયાન કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.


વિરાટ કોહલીએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે જ્યારે તે ભારત માટે 100 ટેસ્ટ મેચ રમશે. તેણે કહ્યું કે તેણે આ રમત માટે પોતાનું સર્વસ્વ આપી દીધું અને તેમ છતાં તે દરેક મેચ પહેલા બેચેન રહે છે. શ્રીલંકા સામે શુક્રવારથી શરૂ થયેલી ટેસ્ટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ છે.