IND vs SL ODI World Cup 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. 358 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 19.4 ઓવરમાં 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીએ 18 રનમાં 5 વિકેટ લીધી હતી. સિરાજને ત્રણ વિકેટ મળી હતી. આ પહેલા ભારતે ગિલ, વિરાટ અને અય્યરની તોફાની ઇનિંગ્સના કારણે 357 રન બનાવ્યા હતા. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર પહોંચી ગયું છે ઉપરાંત વિશ્વ કપની સેમી ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.


 






મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે વિશ્વ કપની 33મી મેચમાં શ્રીલંકાને 55 રનમાં આઉટ કરીને તબાહી મચાવી દીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા 302 રને જીત મેળવીને સેમીફાઈનલની ટિકિટ મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મોહમ્મદ શમીએ 5 અને સિરાજે 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે શ્રીલંકા સામે 50 ઓવરમાં 357 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતે વર્લ્ડ કપની 7માંથી 7 મેચ જીતીને ટાઇટલ પર સૌથી મજબૂત દાવો પણ કર્યો છે.


ભારતના 357 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે શ્રીલંકાની ઇનિંગ્સના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિમુથ કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. તો બીજી તરફ જ્યારે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 2 રન હતો.


ભારતીય બોલરો સામે શ્રીલંકાના બેટ્સમેનો ઘૂંટણીયે


શ્રીલંકાના બેટ્સમેનોને આઉટ થવાની પ્રક્રિયા અહીં અટકી ન હતી. આ પછી કુસલ મેન્ડિસ આઉટ થયો હતો, તે સમયે શ્રીલંકાનો સ્કોર 3 હતો એટલે કે 3 રનમાં શ્રીલંકાના 4 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ શ્રીલંકાની ટીમની સ્થિતિ ખરાબ થતી ગઈ... ચરિથ અસલંકા 24 બોલમાં 1 રન બનાવીને આઉટ થઈ ગયો. ચરિથ અસલંકાને મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો.  તેના પછીના બોલ પર મોહમ્મદ શમીએ દુષણ હેમંતને આઉટ કર્યો. દુષણ હેમંત પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.


 






શ્રીલંકાના 5 બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા


ભારતીય બોલરોનો કહેર ચાલુ રહ્યો. આ પછી મોહમ્મદ શમીએ દુષ્મંત ચમીરાને આઉટ કર્યો. દુષ્મંથા ચમીરા પણ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે શ્રીલંકાના 7 બેટ્સમેન 22 રનમાં આઉટ થઈ ગયા હતા. શ્રીલંકાના 5 બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. જ્યારે શ્રીલંકાની ટીમ 8 બેટ્સમેનો આઉટ થયા બાદ ડબલ ફિગર પણ પાર કરી શકી નથી. જોકે, એક તરફ અનુભવી એન્જેલો મેથ્યુઝે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ શ્રીલંકા માટે મોટી હાર ટાળી શક્યો નહોતો.


શ્રીલંકાના બેટ્સમેનો લાચાર દેખાયા


ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને ભારતીય ફાસ્ટ બોલરો પાસે શ્રીલંકાના બેટ્સમેનોનો કોઈ જવાબ નહોતો. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર  દેખાતા હતા.