IND vs SL: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ-સ્પિનર શેન વોર્નનું 4 માર્ચ શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાના કારણે થાઈલેન્ડમાં અચાનક અવસાન થયું હતું. તે થાઈલેન્ડના એક વિલામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે સમગ્ર વિશ્વ આઘાતમાં આવી ગયું છે. શેન વોર્ન ક્રિકેટની સૌથી મોટી હસ્તીઓમાંની એક હતી. ઓસ્ટ્રેલિયાના આ મહાન લેગ સ્પિનરના નિધન પર શુક્રવારે સમગ્ર ક્રિકેટ જગતે શોક વ્યક્ત કર્યો હતો. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ તેમના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઉપરાંત વિશ્વભરના ક્રિકેટરોએ સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વિટ કરીને શેન વોર્નના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શેન વોર્ન રવિન્દ્ર જાડેજાને ખૂબ પસંદ કરતો હતો. આવી સ્થિતિમાં તેમના માટે ટ્વિટ કરતા જાડેજાએ લખ્યું કે, શેન વોર્ન વિશે સાંભળીને ચોંકી ગયો. વોર્ન અમારી રમતનો અદ્ભુત ખેલાડી હતો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, હું તેમના પ્રિયજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું
ભારતીય કોમેન્ટેટર અને પ્રખ્યાત ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલેએ પણ રવિન્દ્ર જાડેજાના આ ટ્વિટને રિટ્વિટ કર્યું છે. જેમાં તેણે જણાવ્યું કે શેન વોર્ન તેને કેટલો પસંદ કરે છે. 2008 IPLમાં, જાડેજા શેન વોર્નની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો.
રવિન્દ્ર જાડેજાના ટ્વિટનો જવાબ આપતા અર્શા ભોગલેએ ટ્વિટર પર લખ્યું,“તે તને ખૂબ પ્રેમ કરતો હતો. 2008માં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં તે સમય યાદ કરો… તેણે તમને ફોન કર્યો અને કહ્યું કે આ વ્યક્તિ રોકસ્ટાર છે. અમે તમારા વિશે ઘણી વખત ચર્ચા કરી છે. તે તમને અને યુસુફ પઠાણને ખૂબ પસંદ કરે છે."
વર્ષ 2008માં જ્યારે જાડેજાને કોઈ ઓળખતું પણ નહોતું ત્યારે શેન વોર્ને જાડેજાને રોકસ્ટારનો દરજ્જો આપ્યો હતો અને આજે તેનો આ રોકસ્ટાર ખેલાડી તેના શાનદાર પ્રદર્શનથી દુનિયાભરમાં છે. આ દર્શાવે છે કે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને રમતની કેટલી સારી સમજ હતી. રવિન્દ્ર જાડેજા અને ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુસુફ પઠાણ IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હતા, જે તે દિવસોમાં શેન વોર્નની આગેવાની હેઠળ હતો. જો કે, પ્રથમ આઈપીએલ સિઝનમાં જ તેણે પોતાની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સને આઈપીએલની ચેમ્પિયન બનાવી હતી.
જાડેજાએ આજે ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારીને વોર્નની ભવિષ્યવાણીને સાચી ઠેરવી હતી. આ દરમિમયાને તેણે ઈતિહાસ પણ રચ્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 17 ફોર અને 3 સિક્સ સામેલ હતી. આ ઇનિંગના કારણે જાડેજાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે છઠ્ઠી વિકેટ અથવા તેનાથી ઓછી વિકેટના ખેલાડીઓ સાથે એક ઇનિંગમાં ત્રણ સદીની ભાગીદારી કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. જાડેજા પહેલા કોઈ ખેલાડી આ બેટ્સમેન કરી શક્યો ન હતો.
મોહાલી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ઋષભ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે 104 રન બનાવ્યા હતા. તેણે રવિચંદ્રન અશ્વિન સાથે 7મી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન અશ્વિન 61 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેણે 82 બોલનો સામનો કરતી વખતે 8 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જાડેજાએ મોહમ્મદ શમી સાથે 9મી વિકેટ માટે 103 રનની અણનમ ભાગીદારી રમી હતી. આ ભાગીદારીમાં શમીએ 20 રનનું યોગદાન આપ્યું હતું.
કપિલ દેવનો કયો રેકોર્ડ તોડ્યો
જાડેજાએ સાતમા ક્રમે બેટિંગમાં આવીને કપિલ દેવનો રેકોર્ડે તોડ્યો હતો. કપિલ દેવે 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સાતમા ક્રમે બેટિંગ કરીને બનાવવામાં આવેલો રેકોર્ડ હતો. જાડેજાએ આ રેકોર્ડ તોડ્યો હતો. 2019માં ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટમાં રિષભ પંતે સાતમા ક્રમે બેટિંગ કરીને અણનમ 159 રન બનાવ્યા હતા.