IND vs SL:  ત્રીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 110 રનથી હાર આપી હતી. આ સાથે જ ભારતનો સીરિઝમાં 2-0થી પરાજય થયો હતો. પ્રથમ વન ડે ટાઈ થઈ હતી. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકાએ ડ્યુનિથ વેલાલાગેના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ત્રીજી વનડેમાં ભારતને 2-0થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. 1997 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી ગયું હોય. શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી  ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવી પડી હતી. આ સાથે જ ભારતનો શ્રીલંકા પ્રવાસ ખતમ થઈ ગયો છે. આ પ્રવાસ પર ભારતે ટી20 શ્રેણી 3-0થી જીતી હતી, પરંતુ ભારતીય ટીમ વનડે શ્રેણીમાં આ ગતિ જાળવી શકી ન હતી.


138 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ ટીમ ઈન્ડિયા


શ્રીલંકાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96 રનની ઇનિંગ રમી હતી. કુસલ મેન્ડિસે 59 રનનું યોગદાન આપ્યું હતું. પથુમ નિસાન્કાએ 45 રનની ઇનિંગ રમી હતી






શ્રીલંકાએ બનાવ્યા હતા 248 રન


અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારત તરફથી પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રિયાન પરાગે 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને ફર્નાન્ડોએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. જોકે, ફર્નાન્ડો સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે 19 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી.


 શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપસિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રિયાન પરાગને તક આપી છે.


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, શિવમ દુબે.