ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (29 જુલાઈ) ત્રિનિદાદની બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાશે. ભારતીય ટીમે વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હાર આપી હતી. ભારતે ટી-20 સીરીઝ માટે ODI સીરીઝ કરતા સાવ અલગ ટીમ મોકલી છે અને કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા મહત્વના ખેલાડીઓ પરત ફર્યા છે.


ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની


ટી-20 વર્લ્ડ કપ અને એશિયા કપને ધ્યાનમાં રાખીને આ ટી-20 સિરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત પાસે ટોચના ક્રમમાં રોહિત શર્મા, ઋષભ પંત, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓ છે. જ્યારે  મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ છે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ખેલાડીઓ છે.


જ્યાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી એક પણ સિરીઝ હારી નથી અને આ ક્રમ જાળવી રાખવા માંગે છે. વન-ડે સીરિઝમાં 3-0થી હાર બાદ નિકોલસ પૂરનની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ હવે આ ટી-20 સીરિઝમાં વાપસી કરવા માંગશે. વેસ્ટ ઇન્ડિઝ પાસે ખતરનાક બેટ્સમેનોની કોઈ કમી નથી અને શિમરોન હેટમાયર, ઓડિયન સ્મિથ જેવા ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરો તેમની સામે કેવી રીતે બોલિંગ કરે છે તે જોવાનું રહેશે. ટીમમાં રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેના રમવું શંકાસ્પદ છે.


પ્રથમ બોલિંગ કરનાર ટીમને ફાયદો થશે


બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં અત્યાર સુધીમાં 3 મહિલા T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે, જેમાં ટીમે પ્રથમ બોલિંગ કરીને તમામ મેચ જીતી હતી. એટલે કે જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરવા માંગશે. જો વરસાદના કારણે મેચ પ્રભાવિત થશે તો પહેલા બેટિંગ કરવી થોડી મુશ્કેલ હશે. આ સાથે આ પિચ બોલરોને મદદરૂપ પણ માનવામાં આવે છે.