India vs West Indies 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત છેલ્લી 10 વનડેમાં ભારત સામે વિન્ડીઝ ટીમની આ પ્રથમ જીત છે. આ મેચ સાથે જ યજમાન ટીમને શ્રેણીમાં 1-1થી બરાબરી કરવાનો મોકો મળ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ ટીમ સિલેક્શન માનવામાં આવે છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી જોવા મળી હતી.


ભારતની હારના કારણો



  • રોહિત શર્મા, કોહલીને આરામઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી કરીને વર્લ્ડ કપ પહેલા કેટલાક વધુ ખેલાડીઓને પ્રયાસ કરવાની તક મળી શકે. ભારતીય ટીમનો આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો જ્યારે આ મેચમાં આખી ટીમ માત્ર 181 રન પર સમેટાઈ ગઈ.

  • મિડલ ઓર્ડરનો કંગાળ દેખાવઃ ઈશાન કિશન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ પડવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ઝડપી ગતિએ વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. અહીંથી ટીમની બેટિંગમાં અનુભવનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. કોહલી અને રોહિતની હાજરીથી કદાચ આ સ્થિતિ દેખાઈ ન હોત. વિરાટ અને રોહિતની હાજરીથી ટીમના બેટિંગ ઓર્ડરને ચોક્કસપણે ફાયદો થયો હશે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ સીમિત ઓવરોમાં અત્યાર સુધીના બેટથી બંને ખેલાડીઓનો રેકોર્ડ શાનદાર છે.

  • બોલર્સનો કંગાળ દેખાવઃ પ્રથમ વન ડેમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 115 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને આ વખતે બોલર્સ પાસેથી પણ આવી આશા રાખવામાં આવી હતી. પરંતુ તેમ થયું નહોતું. શાર્દુલ ઠાકુરને 3 અને કુલદીપ યાદવને 1 વિકેટ મળી હતી. આ સિવાયના કોઈ બોલર વિકેટ લઈ શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડીઝે 91 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી ત્યારે તેમનો ધબડકો થયા તેમ લાગતું હતું પરંતુ કેપ્ટન શાઈ હોપ અણનમ 63 રન અને કેસી કર્ટલીએ અણનમ 48 રન બનાવી ટીમને જીતાડી હતી.




વનડે સીરીઝની પ્રથમ મેચમાં જ્યારે ભારતીય ટીમ 115 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી, તે સમયે પણ ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કોહલીને બેટિંગ કરવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં, બધાને આશા હતી કે તે બીજી વનડેમાં નંબર-3 પર રમતા જોવા મળશે, પરંતુ તેને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. બીજી વનડેમાં મિડલ ઓર્ડર સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં કોહલીનો અભાવ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો હતો, જે આવી સ્થિતિમાં વિકેટો પડવા પર એક છેડો સંભાળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.