IND vs WI 3rd T20: વેસ્ટ ઈન્ડિઝ સામે ગુયાનામાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે યજમાન ટીમને 7 વિકેટથી હાર આપી હતી. 160 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 83 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. સૂર્યકુમારે તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા 49 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યા 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારતની જીત થઈ હોવા છતાં પાંચ મેચની ટી20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. ચોથી ટી-20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે.


વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી બેટિંગ લીધી


વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિંગે સર્વાધિક 42 રન બનાવ્યા હતા. કેપ્ટન પોવેલે 19 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા. મેયર્સે 25 રન અને પૂરને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 28 રનમાં 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 24 રનમાં 1 અને મુકેશ કુમારે 19 રનમાં 1 વિકેટ લીધી હતી.


ભારતની જીતના કારણો



  • કુલદીપ યાદવની એક જ ઓવરમાં બે વિકેટઃ વેસ્ટ ઈન્ડિઝ મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું ત્યારે કુલદીપ યાદવે 15મી ઓવરમાં ખતરનાક નિકોલસ પૂરનને 20 રન અને બ્રેંડોન કિંગને 42 રનના અંગત સ્કોર પર આઉટ કરીને વિન્ડિઝની રનની ગતિ વધવા દીધી નહોતી.

  • સૂર્યકુમાર યાદવની તાબડતોડ બેટિંગઃ સૂર્યકુમાર યાદવે ત્રીજી ટી20માં તેની સ્ટાઇલ પ્રમાણે તાબડતોડ બેટિંગ કરી હતી. તેણે 44 બોલમાં 83 રન ઝૂડ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ત્રજી વિકેટ માટે તેણે તિલક વર્મા સાથે 87 રનની પાર્ટનરશિપ કરી હતી.

  • તિલક વર્માનો સાતત્યપૂર્ણ દેખાવઃ તિલક વર્માએ 37 બોલમાં અણનમ 49 રનની ઈનિંગ રમી હતી. ત્રણેય ટી20 મેચમાં તેણે ટીમ ઈન્ડિયાને સંભાળવાનું કામ કર્યુ હતું.






બંને ટીમમાં બદલાવ


ત્રીજી ટી20માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમ બદલાવ સાથે ઉતરી હતી. ભારતે ઈશાન કિશનના સ્થાને યશસ્વી જયસ્વાલને સ્થાન આપ્યું હતું. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યુ હતું. જયારે વેસ્ટ ઈન્ડિઝે જેસન હોલ્ડરને બહાર બેસાડ્યો હતો.


ભારતીય ટીમ


શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(સી), સંજુ સેમસન(વિકેટકિપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર


વેસ્ટ ઈન્ડિઝની ટીમ


બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (ડબલ્યુ), રોવમેન પોવેલ (સી), શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકેલ હોસીન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય