Ishan Kishan & Shubman Gill: ટીમ ઇન્ડિયા અત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને પાંચ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે, ટીમે અત્યારે બે મેચો રમી છે અને બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બન્ને મેચો પરથી એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને 4 રને હરાવ્યું હતું. જ્યારે આ સીરીઝની બીજી ટી20 મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ભારતીય ટીમની બેટિંગ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા છે.


ઇશાન કિશન અને શુભમન ગીલ ટીમ ઇન્ડિયા માટે બન્યા મુસીબત - 
આ સાથે જ ઈશાન કિશન અને શુભમન ગીલની ઓપનિંગ જોડી ભારતીય ટીમ માટે ફ્લૉપ સાબિત થઈ છે. આંકડા દર્શાવે છે કે, ઈશાન કિશન અને શુભમન ગીલની જોડી માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝમાં જ નહીં એકંદરે ફ્લૉપ રહી છે. આંકડા પર નજર કરીએ તો ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલ 8 ટી20 મેચમાં ઓપનરની ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ રેકોર્ડ એકદમ ખરાબ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇએ ટી20 વર્લ્ડકપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટી20 ફૉર્મેટ ક્રિકેટમાંથી આરામ આપ્યો છે, અને યુવાઓને તક આપવાનું નક્કી કર્યુ છે, આમાં શુભમન ગીલ અને ઇશાન કિશનને રોહિત શર્મા અને કોહલીના ઓપ્શન તરીકે યુવા ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ વિદેશી ધરતી પર બન્ને ખેલાડીઓ ફ્લૉપ સાબિત થઇ રહ્યાં છે.


ઓપનર તરીકે ઇશાન કિશન અને શુભમન ગીલનો રેકોર્ડ - 
ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનર તરીકે પ્રથમ 3 મેચમાં અનુક્રમે 16, 5 અને 7 રન બનાવ્યા હતા. જ્યારે આ પછીની 5 મેચોમાં ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનર તરીકે અનુક્રમે 17, 10, 3, 12 અને 27 રનની ભાગીદારી કરી હતી. આ રીતે ભારતીય ટીમ માટે ઓપનર તરીકે ઈશાન કિશન અને શુભમન ગીલ 8 ટી-20 મેચમાં માત્ર 97 રન જ જોડી શક્યા છે. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ઈશાન કિશન અને શુભમન ગીલની ઓપનિંગ જોડી ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની રહી છે. જોકે, એ જોવાનું રસપ્રદ રહેશે કે ત્રીજી ટી20 મેચમાં ઈશાન કિશન અને શુભમન ગીલની જોડી ઓપનિંગ કરે છે કે પછી યશસ્વી જયસ્વાલને અજમાવવામાં આવે છે.