Shai Hope Nicholas Pooran India vs West indies 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ દરમિયાન શાઈ હોપ અને નિકલોસ પૂરને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હોપે સદી ફટકારી હતી. જ્યારે પૂરને 74 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. આ દરમિયાન શાઈ હોપ અને કાયલે મેયર્સ ઓપનિંગ કરવા આવ્યા હતા. મેયર્સે હોપ સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ પછી તે 39 રન બનાવીને આઉટ થયો હતો. મેયર્સે 23 બોલનો સામનો કરીને 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. બ્રુક્સે 36 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
બ્રેન્ડન કિંગ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પેવેલિયન મોકલ્યો હતો. નિકોલસ પૂરને કેપ્ટન તરીકે મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 77 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. પૂરને હોપ સાથે સદીની ભાગીદારી રમી હતી. હોપે 135 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 115 રન બનાવ્યા. રોવમેન પોવેલ 13 રન બનાવીને આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયા માટે શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 54 રન આપ્યા હતા. દીપક હુડ્ડાએ 9 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 9 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 9 ઓવરમાં 69 રન આપીને એક વિકેટ લીધી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલો અવેશ ખાન મોંઘો સાબિત થયો હતો અને વિકેટ પણ લઈ શક્યો નહોતો. તેણે 6 ઓવરમાં 54 રન આપ્યા હતા.