ટીમ ઈન્ડિયા આવતા મહિને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જૂલાઈથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.


આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે. રોહિતને આરામ આપવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ અન્ય ટીમનું નેતૃત્વ કરશે. જોકે, હવે BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આ અહેવાલોને ફગાવી દીધા છે.


રાહુલ, બુમરાહ અને ઐય્યર સીરિઝમાં રમશે નહી


ઈજાગ્રસ્ત કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જો કે ચેતેશ્વર પૂજારાને પણ બહાર કરવામાં આવે તેવી શક્યતા છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું હતું કે, "રોહિત શર્મા ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. તેને ઘણો સમય આરામ મળ્યો છે. તેથી વર્કલોડ મેનેજમેન્ટ અંગે કોઈ ચિંતા નથી. તે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં નેતૃત્વ કરશે."


સરફરાઝ અને મુકેશને તક મળશે


સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના સરફરાઝ ખાનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તક મળી શકે છે. સરફરાઝ ઉપરાંત ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. જો કે, મુકેશ અગાઉ પણ ટીમમાં જોડાઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.


હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે


પસંદગીકારો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમમાં પરત લાવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેનો અંતિમ નિર્ણય હાર્દિક પર રહેશે. જોવાનું એ રહેશે કે હાર્દિક પોતાને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પૂરતો ફિટ માને છે કે નહીં. ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.


ધોની IPLની આગામી સિઝન 2024માં રમશે કે નહીં ?


આઇપીએલની 16મી સિઝનમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પીયન બની હતી, આ સિઝન પુરી થયા બાદ ફેન્સને આશા હતી કે, ધોની આગામી સિઝન પણ રમશે, જોકે, હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ સાથે તમામ ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે ધોની આગામી IPL સિઝનમાં રમતા જોવા મળશે. IPLની 16મી સિઝન પૂરી થયા બાદ હવે CSK ટીમના CEO કાશી વિશ્વનાથને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા છે. ધોની આ આખી 16મી સિઝન દરમિયાન ઘૂંટણમાં તકલીફ હોવા છતાં રમવાનું ચાલુ રાખ્યું અને ટીમને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં પણ સફળ રહ્યો.