અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વન ડે શ્રેણી રમાવાની છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ રહી હોવાથી ક્રિકેટ ચાહકો મેચ જોવા આતુર હશે પણ ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે.


ગુજરાત ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી શરૂ થતી વન ડે શ્રેણી પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથીએ શ્રેણીની પ્રથમ વન ડે રમાશે કે જે ભારતીય વન ડે ઈતિહાસની એક હજારમી વન ડે મેચ બની રહેશે. આ સાથે ભારત 1000 વન ડે રમનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બનશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં વન ડે મેચો ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લીધો છે.


ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરી,  9 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ ત્રણ વન ડે મેચ રમાશે. જો કે ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ ક્રિકેટ ચાહકો માણી શકશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તેથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.


દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ તથા વન ડે સીરિઝની હારના કારણે ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા પણ આ સીરિઝમાં ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઉતરશે અને પૂરી તાકાત સાથે ઉતરશે તેથી ક્રિકેટ ચાહકો આ સીરિઝની મજા માણવા આતુર છે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેથી ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે તો સીરિઝનો આનંદ બેવડાઈ જશે.