IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની મેગા હરાજી સંબંધિત મોટી જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરવામાં આવી છે. બે દિવસીય મેગા ઓક્શન માટે IPL 2022 મેગા ઓક્શનની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. IPL 2022ની મેગા ઓક્શન માટે 1200થી વધુ ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 590 ક્રિકેટરોની હરાજી કરવામાં આવશે. IPLની 15મી સિઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરી 2022ના રોજ બેંગલુરુમાં યોજાવાની છે, જેમાં દસ ટીમોના માલિકો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.


2  કરોડની કેટેગરીમાં કેટલા ક્રિકેટર ?


IPL 2022ની મેગા ઓક્શનમાં જે 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.જેમાં કુલ 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ હશે. રૂ. 2 કરોડ સૌથી વધુ અનામત કિંમત છે અને 48 ખેલાડીઓએ આ કેટેગરીમાં પોતાને સ્થાન આપવાનું પસંદ કર્યું છે. તેમાંથી 228 કેપ્ડ છે અને 355 અનકેપ્ડ છે. કેપ્ડ એટલે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. અનકેપ્ડ ખેલાડીઓનો અર્થ એ છે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશમાં સ્થાનિક ક્રિકેટ અથવા લીગ ક્રિકેટ રમ્યા છે, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. એસોસિયેટ નેશન્સમાંથી 7 ખેલાડીઓ પણ છે, જેમની મેગા ઓક્શનમાં બોલી લગાવવામાં આવનાર છે.


ભારતના આ ખેલાડીઓ પર નજર


ભારતના મહત્વના ખેલાડીઓની વાત કરીએ તો શ્રેયસ અય્યર, શિખર ધવન, આર અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને હર્ષલ પટેલ પર નજર રહેશે.


આ વિદેશી ખેલાડીઓને લાગી શકે છે જેકપોટ


વિદેશી ખેલાડીઓમાં ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક, જોની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા મજબૂત ખેલાડીઓ છે.


 કયા દેશના કેટલા ખેલાડીઓ હરાજીમાં લેશે ભાગ


અફઘાનિસ્તાનના 17,ઓસ્ટ્રેલિયાના 47, બાંગ્લાદેશના 5, ઈંગ્લેન્ડના 24, આયર્લેન્ડના 5, ન્યૂઝીલેન્ડના 24, સાઉથ આફ્રિકાના 33, શ્રીલંકાના 23, વેસ્ટ ઈન્ડિઝના 34, ઝીમ્બાબ્વેના એક, નામીબિયાના ત્રણ,  નેપાળના એક, સ્કોટલેન્ડના એક અને યુએસએના એક ખેલાડી હરાજીમાં ભાગ લેશે.