IND vs ZIM, Match Highlights: ટીમ ઈન્ડિયાએ હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની વનેડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 189 રન જ બનાવી શકી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 30.5 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.


કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતની આ પહેલી જીતઃ


ભારતના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઓપનર બેટ્સમેન શિખર ધવન અને શુભમન ગીલે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. શુભમન ગિલે અણનમ 82 અને શિખર ધવને અણનમ 81 રન બનાવ્યા હતા. અગાઉ બોલિંગમાં અક્ષર પટેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને દીપક ચહરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતની આ પહેલી જીત છે.


ઝિમ્બાબ્વેની શરૂઆત જ ખરાબ રહી


ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ઝિમ્બાબ્વે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, તેણે 10.1 ઓવરમાં 31 રનમાં પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઇનોસન્ટ કાઈયા (4), તદિવાનાશે મારુમાની (8), સીન વિલિયમ્સ (5) અને વેસલે મધેવેરે (1) જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે જ ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 66 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. ત્યાર બાદ સિકંદર રઝા 12 રનનો સ્કોર બનાવીને આઉટ થયો હતો.


આ પછી રયાન બર્લે (11) 20.5 ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો, જેના કારણે ઝિમ્બાબ્વેને 83 રન પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રેજીસ ચકાબ્વાએ કેટલાક સારા શોટ્સ રમ્યા અને ટીમ માટે મહત્વપૂર્ણ રન ઉમેર્યા, પરંતુ 26.3 ઓવરમાં ચકબવા 35 રન બનાવીને અક્ષરના હાથે બોલ્ડ થયો. આ પછી અક્ષરે લ્યુક જોંગવે (13)ને પણ આઉટ કર્યો હતો. જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમે 110 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી.


આ પછી બ્રેડ ઇવાન્સ અને રિચર્ડ નગારવાએ ભારતીય બોલરોનો હિંમતભેર સામનો કર્યો અને ઘણા સારા શોટ્સ રમ્યા હતા. બંને વચ્ચેની લાંબી ભાગીદારી (65 બોલમાં 70 રન) પ્રસિદ્ધ ક્રિષ્નાએ તોડી હતી જ્યારે તેણે રિચર્ડ નગારવાને 34 રન પર બોલ્ડ કરીને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ 39.2 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા.